Connect Gujarat
ગુજરાત

અમરેલી : બાબરા APMCમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ, કિસાન સંઘે જાહેર હરાજી બંધ કરાવી

અમરેલી જિલ્લાનું મેવાસા ગામ… 700થી 800 જેટલા ખેડૂત ખાતેદારો ધરાવતા મેવાસા ગામમાં ખેડૂતો નોંધારા બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.

X

અમરેલી જિલ્લામાં કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. કાળી મહેનતની મજૂરી કરીને આવેલા કપાસ ઓછા ભાવના કારણે ખેડૂતોને ના છૂટકે ઘર, વાડી અને ખેતરોમાં જીવના જોખમે સંગ્રહ કરવાની નોબત આવી છે, ત્યારે અમરેલી જિલ્લા કિસાન સંઘ ખેડૂતોની વ્હારે આવી જાહેર હરાજીને બંધ કરાવી હતી.

આ છે અમરેલી જિલ્લાનું મેવાસા ગામ… 700થી 800 જેટલા ખેડૂત ખાતેદારો ધરાવતા મેવાસા ગામમાં ખેડૂતો નોંધારા બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. મેવાસા ગામે ખેડૂતે 1000થી 1500 મણ જેટલા કપાસના ઢગલાઓ ઘરોમાં રાખીને સંગ્રહ કરી રહ્યા છે. વાડી ખેતર રહેણાકી મકાનોમાં કપાસના ઢગલે ઢગલાઓ પડ્યા હોય. કારણ કે, એપીએમસીની જાહેર હરાજીમાં કપાસના 1500થી 1600 જેટલા મળતા ભાવો સામે ખેડૂતોને ના છૂટકે કપાસનો સંગ્રહ કરવાની ફરજ ઊભી થઈ છે. આ જ ખેડૂતોએ ચૂંટણી પહેલા 2 હજાર, 2100 અને 2200 સુધીમાં કપાસનું વેચાણ કર્યું હતું. પરંતુ ચૂંટણીના દિવસો ગયા બાદ હાલ ખેડૂતો ના ઘરના ન ઘાટના રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ કપાસના ઓછા ભાવથી થયું છે. મકાનોમાં વીજળી હોવા છતાં વીજળી બંધ રાખીને કપાસને સાવચેતીથી ઘરોમાં સંગ્રહ કરી બજારમાં સારા ભાવની આશાએ ખેડૂતો મીટ માંડીને બેઠા છે.

અમરેલી જિલ્લામાં ચોમાસાની સિઝનમાં કપાસનું મબલખ વાવેતર કરીને 2 પૈસા કમાવવા ખેડૂતોએ દિવસ રાત ઉજાગરા કરીને કપાસ તો પકવ્યો છે. પરંતુ પ્રથમ વીણીમાં 2000થી 2200 અને 2300 રૂપિયા સુધીના કપાસના ભાવો મળ્યા બાદ બીજી વીણીના કપાસમાં એપીએમસીનું માર્કેટ ગબડતા 1500 અને 1600 જેટલો જ કપાસના ભાવ મળતા ખેડૂતોને ના છૂટકે કપાસનો સંગ્રહ કરવાની ફરજ ઊભી થઈ છે. સરકાર દ્વારા 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાતોની વરવી વાસ્તવિકતાઓ વચ્ચે કૃષિમંત્રી દ્વારા બમણી આવકના દાવાઓ થયા હોય, પરંતુ અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ગામડાઓમાં વેપારીઓ કપાસ ખરીદવામાં ન આવતા કપાસના ઢગલે ઢગલાઓ જીવના જોખમે સાચવી રહ્યા છે, ત્યારે બાબરા માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસની હરાજીમાં ઉપસ્થિત ખેડૂતોની વ્હારે કિસાન સંઘ આવ્યું હતું, જ્યાં ભારતીય કિસાન સંઘ દ્વારા બાબરા APMCની જાહેર હરાજી બંધ કરાવવામાં આવી હતી. ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો મળે તે માટે કિસાન સંઘ સંગઠનના હોદ્દેદારો યાર્ડમાં પહોંચ્યા હતા. આ સાથે જ રૂ. 2000 કપાસના ભાવથી જાહેર હરાજી શરૂ કરવાની ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે.

Next Story