Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ વિજેતા ગામ સણોસરા, જળસંચયથી ગ્રામજનોના જીવનમાં આવ્યું પરિવર્તન

ગુજરાતમાં અનેક ગામડાઓમાં જળસંચય ક્ષેત્રે "શાંત ક્રાંતિ" થઈ રહી છે, જ્યાં નાગરિકો દ્રઢ ઈચ્છાશક્તિ અને હકારાત્મક અભિગમના સહારે પોતાનું ભાગ્ય ઘડી રહ્યા છે.

X

અમરેલી જિલ્લાનું રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ વિજેતા ગામ સણોસરામાં જળસંચય ક્ષેત્રે "શાંત ક્રાંતિ" સાબિત થઈ છે, જ્યાં સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ મળતા કૃષિ ક્રાંતિ સર્જાઈ છે.

ગુજરાતમાં અનેક ગામડાઓમાં જળસંચય ક્ષેત્રે "શાંત ક્રાંતિ" થઈ રહી છે, જ્યાં નાગરિકો દ્રઢ ઈચ્છાશક્તિ અને હકારાત્મક અભિગમના સહારે પોતાનું ભાગ્ય ઘડી રહ્યા છે. અમરેલી જિલ્લાનું સણોસરા ગામ આવું જ એક ગામ છે, જ્યાં જળસંચયના પગલે ગ્રામજનોના સામાજિક-આર્થિક જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. સણોસરા ગામે આજે 25થી 30 ફૂટે પાણી છે. અગાઉ પાણીના તળ 90 ફૂટે હતા. પણ 2019માં આ ગામને સુજલામ સુફલામ જળસંચયનો લાભ મળતા જાણે કૃષિ ક્રાંતિ સર્જાઈ છે. જેમાં તળાવ બંધાતા 25થી 30 ફુટે પાણી આવી જાય છે, અને ખેતીમાં પણ ઉત્પાદન ઘણું આવે છે, ઉનાળું અને શિયાળું પાક બન્ને આવતા હોવાનું ખેડૂતે જણાવ્યુ હતું.

સણોસરાના ગ્રામજનોએ ગામની ભાગોળે આવેલા તળાવને ઉંડુ કર્યું, જે માટે જરૂરી નાણાકીય વ્યવસ્થામાં સરકાર ઉપરાંત દાતાઓ અને ગ્રામજનોએ લોકફાળા થકી પોતાનું યોગદાન આપ્યું. જેનો લાભ આજે ગામને થઈ રહ્યો છે. અન્ય એક ખેડૂતે જણાવ્યુ હતું કે, ગામમાં જે પહેલા 50 વીઘાના ઘઉં ના થતા તેને બદલે 300 વીધાના ઘઉંમાં ઉત્પાદન આવે છે, અને ગામને પાણીના હિસાબે મોટામાં મોટો ફાયદો થાય છે. આ ગામે અહીં જ નથી અટક્યું. હવે ગામે આગામી તબક્કામાં વોટરશેડ પ્રોજેક્ટ અમલી બનાવવાનું નક્કી કર્યું છે. આમ, રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ વિજેતા ગામે એ દર્શાવ્યું છે કે, વિકાસની પ્રાથમિક શરત એ લોકભાગીદારી છે.

Next Story