અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તારની નજીક આવેલા ગામડાઓ અને હાઈવે પર સિંહની અવરજવરના બનાવોમાં વધારો થયો છે. જંગલ નજીક આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ ઘૂસી જતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. ત્યારે સિંહનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
જેમાં ગીરના ઘરેણાં સમાન એશિયાટિક સિંહોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે. મળતી માહિતી અનુસાર, સાવરકુંડલાના સૂર્યોદય પેટ્રોલ પંપ નજીક ધોળે દિવસે 2 સિંહણ નજરે પડી હતી. જેમાં પીપાવાવ-અંબાજી સ્ટેટ હાઇવે પર માર્ગની બાજુમાં પશુનું મારણ કરતાં 2 સિંહણ જોવા મળી હતી. સતત વાહનોની અવરજવર વચ્ચે બન્ને સિંહણે સ્ટેટ હાઇવે પર પશુને દબોચી લીધું હતું.
જોકે, માર્ગ પરથી પસાર થઈ રહેલ વાહન ચાલકે બન્ને સિંહણની ખૂબ હોર્ન વગાડી ભારે પજવણી કરી હતી. જે વાયરલ વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે, જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સરકારી એસટી. બસનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, ત્યારે સિંહની સુરક્ષાને લઈ વન વિભાગ દ્વારા સિંહોની પજવણી કરવા બદલ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે, કેમ તે હવે જોવું રહ્યું.