Connect Gujarat
ગુજરાત

અમરેલી : ઝર ગામના મુસ્લિમ પરિવારમાં ભગવાન શ્રીરામ પ્રત્યે અનેરી આસ્થા, કર્યું રામજી મંદિરનું ભવ્ય નિર્માણ…

રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે, જ્યાં લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે.

X

હાલના સમયમાં રાજકારણના કારણે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભેદ રેખાઓ સર્જાય હોય પણ હજુ પણ કોમી એકતા અને માનવતાની મિસાલ ગામડાઓમાં કાયમ રહી છે, ત્યારે ગુજરાતનું એક એવું સ્થળ કે, જ્યાં રામલલ્લાના મંદિર માટે જમીનથી લઈને નવા મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા એક મુસ્લિમ પરિવારે કરી છે. અમરેલી જિલ્લાના ધારી-ગીરનું ઝર ગામની વસ્તી તો 1200 લોકોની છે. પણ ગામમાં કોમી એકતાની કોઈ મિસાલ હોય તો એ છે આ રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે, જ્યાં લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે.

પણ આપા ગીગાના કારણે હિન્દુ ધર્મ પ્રત્યે આ પરિવારમાં આસ્થા અને ઉર્મિઓ હજુ અકબંધ જોવા મળે છે. લલિયા પરિવારના મોભી ગણાતા દાઉદભાઈ લલિયા અને તેમના સહકુટુંબ દ્વારા પોતાના આંગણામાં વર્ષો જૂના રામજી મંદિર કે જે તાઉતે વાવાઝોડામાં સાવ જર્જરીત થઈ જતા તે મંદિરને વિશાળ મંદિરમાં સ્થાપી સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતીમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આઓજન કરવામાં આવ્યું હતું. એક મુસ્લિમ પરિવારે ભગવાન રામજીનું મંદિર સ્થાપ્યું છે, ત્યારે દાઉદભાઈ લલિયા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો અને સૌ પરિવારો ખૂબ હર્ષિત થઈ ગયા હતા.

ઝર ગામે રામજી મંદિરનું નિર્માણ કાર્ય સતાધારના મહંત પૂજ્ય વિજયબાપુના વરદ હસ્તે કરાવી રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાકાર મોરારિબાપુ, જુનાગઢના શેરનાથ બાપુ, વિજયબાપુની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ધર્મસભાનું મુસ્લિમ આગેવાન દાઉદભાઈ લલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારત એક એવો દેશ છે કે, જ્યાં દરેક ધર્મના વડાઓ કરતા ધાર્મિકતા વધુ છે. એટલું જ નહીં, ગામડાઓમાં હજુ પણ કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓ અકબંધ જોવા મળી રહી હોય, ત્યારે કોંગી દિગ્ગજ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલ અને પ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે પણ દાઉદભાઈ લલિયાની હિન્દુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને બિરદાવી હતી. આ સાથે જ તેઓ મુસ્લિમ હોવા છતાં તેમનામાં ભગવાન રામજી પ્રત્યે રહેલી આસ્થાને ઉજાગર કરી દેશમાં એક નવતર ચીલો ચીતર્યો હોવાનું જણાવ્યું હતું.

જોકે, આજના સમયમાં દેશમાં કોમી ભેદભાવ અને જ્ઞાતિઓ પ્રત્યેના દુષણો ઘર કરી ગયા હોય, ત્યારે ગાંધીના ગુજરાતમાં ધારી-ગીરના ઝર ગામે એક નવતર ચિલો ચીતરીને મુસ્લિમ પરિવારે રામજી મંદિર નિર્માણ કર્યું છે. જે ભારતદેશની આન બાન અને શાન દાઉદભાઈ લલીયા બન્યા છે, એમ કહીએ તો ઓછું નથી. તો બીજી તરફ, રામાયણ દ્વારા દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલ કથાકાર મોરારીબાપુએ પોતાના વક્તવ્યમાં મુસ્લિમ દાઉદભાઈ લલીયા અને લલીયા પરિવારજનોની ભગવાન રામ પ્રત્યેની લાગણીઓ અમી સ્વરૂપે વરસી હોવાનું જણાવ્યુ હતું.

Next Story