Connect Gujarat
ગુજરાત

ત્રણ જિંદગી ડૂબી..! અમરેલી: ધારીની શેલ નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ભાઈ-બહેન સહિત કાકાનું ડૂબી જવાથી મોત

મૂર્તિનું વિસર્જન કરી લોકો ન્હાઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માતે સગા ભાઈ-બહેન અને કાકા ડૂબી જતા ત્રણેયના મોત નિપજ્યા

ત્રણ જિંદગી ડૂબી..! અમરેલી: ધારીની શેલ નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ભાઈ-બહેન સહિત કાકાનું ડૂબી જવાથી મોત
X

અમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી પસાર થતી શેલ નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ લોકોના નદીમાં ડૂબી જવાથી મોત નિપજતા ખુશીનો પ્રસંગમાં માતમ છવાયો છે. અમરેલીના 10થી વધુ લોકો આજે ધારીના લાખાપાદર ગામ પાસેથી પસાર થતી શેલ નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન માટે ગયા હતા. મૂર્તિનું વિસર્જન કરી લોકો ન્હાઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માતે સગા ભાઈ-બહેન અને કાકા ડૂબી જતા ત્રણેયના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. અમરેલી શહેરમાં રહેતા કિશોરભાઈ ડાંગર, ભત્રીજો રાજવીર ડાંગર, ભત્રીજી ગોરલબેન ડાંગર તેમના અન્ય પરિવારજનો સાથે આજે દશામાની મૂર્તિના વિસર્જન માટે ધારીના લાખાપાદર નજીક આવેલા બુદ્ધેશ્વર મહાદેવ મંદિરે ગયા હતા.

અહીંથી પસાર થતી શેલ નદીમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારના લોકો નદીમાં ન્હાવાની મજા લઈ રહ્યા હતા ત્યારે જ કિશોરભાઈ, રાજવીર અને ગોરલ અકસ્માતે ડૂબી જતા મોત નિપજ્યા હતા. ત્રણેયના મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે ચલાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમરેલીમાં રહેતા ડાંગર પરિવારના એક સાથે ત્રણ લોકોના અકસ્માતે મોત નિપજ્યાની જાણ થતા કાઠી ક્ષત્રિય સમાજના લોકો ચલાલા હોસ્પિટલ પર પહોંચ્યા હતા. ઘટનાની જાણ ચલાલા પોલીસને થતા પીએસઆઈ પી.ડી.ગોહિલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

Next Story