બોરસદના કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલ પર થયેલાં ફાયરિંગ કેસમાં ગેંગસ્ટર રવિ પુજારીના સાત દિવસના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. પોલીસે આરોપીના 14 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી પણ કોર્ટે સાત દિવસના રીમાન્ડ ગ્રાહય રાખ્યાં છે.
અંડરવર્લ્ડના ડોન રવિ પુજારીને હાલ ગુજરાત ખાતે લવાયો છે. બેંગ્લોરની જેલમાં રહેલા રવિ પુજારીને 2017માં બોરસદના કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલની હત્યાના કાવતરાના કેસમાં રવિ પુજારીને બોરસદની કોર્ટમાં હાજર કરાયો હતો. બોરસદ કોર્ટમાં આરોપીને રજુ કરી 14 દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યાં હતાં પણ કોર્ટે 7 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. 13મી જાન્યુઆરી 2017ના રોજ બોરસદ નગરપાલિકાના કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ થયું હતું. આ કેસમાં બે શાર્પ શુટરની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ચંદ્રેશ પટેલ અને ગેંગસ્ટર રવિ પુજારીના નામ ખુલ્યાં હતાં. પ્રજ્ઞેશ પટેલ અને ચંદ્રેશ પટેલ વચ્ચે ઘણા સમયથી દુશ્મનાવટ ચાલી રહી હતી અને તેમાં પણ નગરપાલિકાની ચુંટણીમાં ચંદ્રેશની માતા શાંતાબેન પ્રજ્ઞેશ પટેલ સામે ચુંટણી હારી ગયાં હતાં. આ ઘટના બાદ ચંદ્રેશ પટેલ રવિ પુજારીનો સંપર્ક કરી પ્રજ્ઞેશની હત્યાનું કાવતરૂ ઘડી નાંખ્યું હતું. ફરાર ચંદ્રેશ પટેલને પોલીસે બેંગકોકથી ઝડપી પાડયો હતો.
આરોપી રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બોરસદની કોર્ટમાં રજુ કર્યો હતો. તેના 14 દિવસના રીમાન્ડ પોલીસે માંગ્યા હતાં પણ કોર્ટે 7 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. કોર્ટ કાર્યવાહી બાદ રવિ પુજારીને પુન: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે લઇ જવાયો હતો. ઉલ્લેખનીય છે કે, રવિ પુજારીએ આ પહેલા પેટકો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અરવિંદભાઈ પટેલ, ધી ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના એમડી આર. એસ. સોઢી, ઓડ પાલિકાના ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઉલજીને પણ ધમકીભર્યા ફોન કરીને ખંડણી માંગી હતી. ગોપાલસિંહ રાઉલજીના કેસમાં તો ઓડની જ એક વ્યક્તિએ વિદેશથી રવિ પુજારીના નામે ફોન કર્યા હોવાનું ખુલવા પામ્યું હતુ. આ ઉપરાંત ધારાસભ્ય અને હાલના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાને પણ પ્રજ્ઞેશભાઈ પટેલનો કેસ બહુ નહીં ચગાવવા માટે પણ ધમકી આપી હતી. આ તમામ કેસોમાં રવિ પુજારીની પુછપરછ કરવામા આવનાર હોવાનું જાણવા મળ્યું છે.