Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : 70થી વધુ સોસાયટીઓમાં ફરી વળ્યા પૂરના પાણી, લાખોની ઘરવખરીમાં નુકશાનથી રહીશો રોષે ભરાયા...

X

નર્મદા નદીમાં આવેલ રેલે અનેક વિસ્તારોમાં સર્જી તારાજી

70થી વધુ સોસાયટીઓમાં લાખોની ઘરવખરીમાં નુકશાન

પહેલા માળ સુધી પાણી ભરાતા લોકોએ ભયમાં રાત વિતાવી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર સહિત નર્મદા કાંઠાના 4 તાલુકામાં રવિવારે મળસ્કે 4 કલાકથી નર્મદા નદીમાં શરૂ થયેલા પૂરના તાંડવે અંક્લેશ્વરની 70થી વધુ સોસાયટીઓમાં ફર્નિચર, વાહનો સહિત ઘરવખરી બરબાદ કરી દેતા લોકોને ભારે નુકસાન થયું છે. જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં 18 લાખ ક્યુસેક પાણીનો વિપુલ જથ્થો પછોડવામાં આવતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી 24 ફૂટને રવિવારે મળસ્કે 4 કલાકે જ વટાવી ચૂકી હતી.

રેલના પાણીએ જે કહેર અને જેટ ગતિની ઝડપ પકડીને 41 ફૂટની નજીક પહોચી હતી. જે બાદ અંકલેશ્વર શહેરમાં રેલના પાણી ઘુસવા સાથે 77 જેટલી સોસાયટીમાં 13થી 15 ફૂટ સુધી પાણી ફરી વળતા લોકોની કિંમતી વસ્તુઓ પણ બચાવવા કે, સુરક્ષિત કરવાનો સમય મળ્યો ન હતો. ઘરોના પહેલા માળ સુધી પાણી પહોચી ગયા હોવાની વેદના અસરગ્રસ્ત પરિવારો લાચારીપૂર્વક ઠાલવી રહ્યાં છે. દરેક ઘરમાં ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો, અનાજ, વાહનો બધુ જ નજર સામે જળમગ્ન થઈ જતાં રહીશોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રએ આવા ભયાનક પૂરને હળવાશમાં લીધું હોવાના આક્ષેપ સાથે દરેકને ઓછામાં ઓછું રૂ. 5 લાખ વળતર સહાયરૂપે આપવા માંગ કરી છે. જોકે, પૂરના પાણી ઓસર્યા બાદ સમગ્ર ભરૂચ જિલ્લામાં એક જ સવાલ નર્મદા નદીમાં ઘૂઘવાયેલા ઘોડાપૂરની જેમ ફરી વળ્યો છે કે, આ ખાનાખરાબી સર્જનાર અને હજારો લોકોને ડુબાડનાર જેટ ગતિની રેલમાં કોની ચૂક રહી.! સરકાર, સરદાર સરોવર નર્મદા નિગમ, મધ્યપ્રદેશ સરકાર કે, સ્થાનિક તંત્ર.! જોકે, આવા પ્રશ્નોના જવાબ ક્યારે મળશે અથવા મળશે કે, કેમ તે પણ એક પ્રશ્ન જ છે.

Next Story