ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહી છે. પ્રચાર માટે ભાજપે તેમના દિગ્ગજોને મેદાને ઉતાર્યા છે. 18 નવેમ્બરે ગુજરાતમાં યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડનવીસ, શિવરાજસિંહ જેપી નડ્ડા અને અનુરાગ ઠાકુરે સભાઓ ગજવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સુરતના માંગરોળના વાંકલમાં સભા સંબોધી હતી. માંગરોળથી ભાજપે ગણપત વસાવાને ટિકિટ આપી છે. ત્યારે ગણપત વસાવા માટે પ્રચાર કરવા અનુરાગ ઠાકુર માંગરોળ આવ્યા હતા અને ચૂંટણી સભા સંબોધી હતી. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે 20 વર્ષના શાસનકાળમાં નરેન્દ્ર મોદીએ એક દિવસની પણ રજા લીધા સતત કાર્યરત છે. પહેલા ગુજરાત માટે સમર્પિત રહ્યા અને હવે દેશ માટે સમર્પિત છે. તેમણે વધુમાં જણાવ્યુ કે પીએમ મોદી હંમેશા કહે છે ગુજરાત મારી આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે પહેલા હિન્દુ આતંકવાદની વાત કરી અને હવે સાવરકર પર વિવાદીત ટિપ્પણી આ નિવેદનો જ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે પીએમ મોદીના દિલ દિમાગ અને વિચારોમાં ગુજરાતના વિકાસની વાતો ચાલતી હોય છે અને ભારતને નવી ઉંચાઈએ લઈ જવાના જ લક્ષ્ય ઘુમે છે. તેમણે G-20નો ઉલ્લેખ કર્યો કે દુનિયાના શક્તિશાળી 20 દેશોની યજમાની માટે આવતા વર્ષે ભારત કરશે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતને G-20ની યજમાની કરવાની તક મળી છે.