Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : માઝૂમ જળાશયમાં “જળ સમાધિ” માટે અસરગ્રસ્ત ખેડૂતોની ચીમકી, જાણો સમગ્ર મામલો..!

અરવલ્લી જિલ્લાના માઝૂમ જળાશયમાં જળ સમાધિ કરવાની કલેક્ટર પાસે મંજૂરી માંગવામાં આવી છે.

X

અરવલ્લી જિલ્લાના માઝૂમ જળાશયમાં જળ સમાધિ કરવાની કલેક્ટર પાસે મંજૂરી માંગવામાં આવી છે. જે ખેડૂતોએ તેમની જમીન ડેમ બનાવવા માટે આપી હતી, તેના બદલામાં આપેલી જમીન અન્યને ફાળવી દેવાતા, અસરગ્રસ્તોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. શું છે, સમગ્ર મામલો, જુઓ આ અહેવાલમાં...

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા અને અમરાપુરના માઝૂમ જળાશયના અસરગ્રસ્તોએ પોતાના હકની જમીન માટે વિરોધ કર્યો છે. એટલું જ નહીં, તેમની જમીન નહીં મળે તો, જે જમીન ડેમના પાણી ડૂબમાં ગઈ છે, ત્યાંજ જળ સમાધિ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોડાસા તાલુકાના સાયરા અને અમરાપુરના અસરગ્રસ્ત ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

ખેડૂતોનું કહેવું છે કે, મોડાસા તાલુકાના સાયરા છાપરા ગામે માઝૂમ જળાશય બનાવવા માટે વર્ષ 1982માં જમીન સંપાદન માટે હુકમ કર્યો હતો, ત્યારથી તેઓ જમીન ડૂબમાં જવાથી નિરાધાર બન્યા છે. અસરગ્રસ્તોનું કહેવું છે કે, જે જમીન પર તેમનો ભોગવટો હતો, તે જમીન અન્ય વ્યક્તિને બારોબાર ફાળવી દેવામાં આવી છે. આ રીતે અસરગ્રસ્તોની જાણ બહાર જમીન ફાળવણી કરી દેવાતા 26 જેટલા ખેડૂત ખાતેદારોને અન્યાય થયો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી છે, જો આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો માઝૂમ ડેમમાં જળ સમાધિ માટે ચીમકી પણ ઉચ્ચારી છે.

Next Story