Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : MLAના ઘરનો રાજસ્થાની રસોઈઓ લૂંટનો આરોપી, રૂ. 7.70 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સો દબોચી લેવાયા...

ભિલોડાના MLA અને તેમની પત્નીનો ભરોષો રાજસ્થાની રસોઇયાએ તોડી તિજોરીમાંથી રૂ. 50 હજાર ચોરી કરી તેના સાથીદારો સાથે મળી વધુ રૂ. 16.30 લાખની લૂંટને અંજામ આપ્યો હતો,

X

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધારાસભ્ય અને તેમની પત્નીનો ભરોષો રાજસ્થાની રસોઇયાએ તોડી તિજોરીમાંથી રૂ. 50 હજાર ચોરી કરી તેના સાથીદારો સાથે મળી વધુ રૂ. 16.30 લાખની લૂંટને અંજામ આપ્યો હતો, ત્યારે નવનિયુક્ત SP શૈફાલી બારવાલ અને તેમની ટીમે પડકારજનક લૂંટના ગુન્હાનો ભેદ ભારે જહેમત બાદ ઉકેલી નાખી 3 રાજસ્થાનીઓને જેલ હવાલે કર્યા છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વતન શામળાજી નજીક આવેલા વાંકાટીંબા ગામમાં ઘરે થોડા દિવસ અગાઉ રાત્રીના સુમારે ત્રાટકી તેમના પત્નીને બંધક બનાવી 2 બુકાનીધારી લૂંટારુઓએ ઘરની તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી ધારાસભ્યની પત્નીને “તુમકો નુકસાન નહીં કિયા ઔર કમા લેના” કહીં રફુચક્કર થઇ જતા ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા SP શૈફાલી બારવાલ સહીત જીલ્લા પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ, એફએસલની ટીમ ઉતરી પડી હતી. શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર ઈસમો સામે ગુન્હો નોંધાયા બાદ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપી હતી. જેમાં સાબરકાંઠા પોલીસ પણ જોતરાઈ હતી. અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં લાખ્ખો રૂપિયાની લૂંટની ઘટનામાં તેમના ઘરે રસોઈ કરતા શકમંદ રાજસ્થાની રસોઈયા પન્નાલાલ ઉર્ફે પ્રકાશ રોતની અટકાયત કરી મેરેથોન પૂછપરછના અંતે પણ લૂંટની ઘટના અંગે મગનું નામ મરી પાડતો ન હતો. પોલીસે વિવિધ ટીમો બનાવી સતત રાજસ્થાનમાં પડાવ નાખી ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં માહીર શકમંદો પર વોચ ગોઠવવાની સાથે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ બાતમીદારો સક્રિય કરતા લૂંટના ગુન્હામાં સંડોવાયેલ રાજેન્દ્ર ઉર્ફે રાજુ વેલાજી ઢુંહા અને પન્નાલાલ ઉર્ફે પ્રકાશ રોત રેલ્લાવાડા તરફ આવતા હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બાઈક સાથે દબોચી લઈ ચોરીનો મુદ્દમાલ સહીત બાઈક મળી રૂ. 7.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અન્ય એક આરોપી નંદલાલ ઉર્ફે નંદુ મોહનલાલ વરસાતને પણ દબોચી લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ, લૂંટના ગુન્હામાં સંડોવાયેલ અન્ય ફરાર આરોપી લાલા મોંઘા ડામોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Next Story