Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ચોરાયેલ બળદ મળી આવતા ડીજે સાથે વરઘોડો નીકળ્યો

બાયડ તાલુકાના જીતપુર ગામે પાંચ વર્ષ અગાઉ ચોરાયેલ બળદ પરત મળી આવતાં બળદનો ડીજે સાથે વરઘોડો કાઢી અનોખી રીતે ઊજવણી કરવામાં આવતા કુતૂહલ સર્જાયું હતું.

X

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામે પાંચ વર્ષ અગાઉ ચોરાયેલ બળદ પરત મળી આવતાં બળદનો ડીજે સાથે વરઘોડો કાઢી અનોખી રીતે ઊજવણી કરવામાં આવતા કુતૂહલ સર્જાયું હતું.

બાયડ તાલુકાનાં જીતપુર ગામે પાંચ વર્ષ અગાઉ બળદ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કાર્યવાહી કરતાં ભાણવડથી બળદ શોધી માલિકને પરત કરતાં સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગત વાર વાત કરીએ તો, બાયડ તાલુકાના જીતપુર ગામે ડિસેમ્બર 2019 માં રાત્રિના સમયે ઓડ જયંતીભાઈ બાબરભાઈના ઘરનાં આંગણે બાંધેલા બે બળદ કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા જે અંગે આંબલીયારા પોલીસ મથકે બળદ ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી. પરંતુ કહેવાય છે ને કે શ્રદ્ધા હોય તો પથ્થર પણ પૂજાય છે અને પથ્થરમાં પણ દેવના દર્શન થાય છે....!!! બળદ ચોરી થતાં જ બળદ માલિક ઓડ જયંતીભાઈ બાબરભાઈએ માતાજીની માનતા માની હતી. જયંતિ ભાઈ મસાણી મેલડી માતાજીના પરમ ભક્ત હતા તેમણે ચોરાયેલા બળદ માતાજી તમારે પરત લાવવાના છે એવી આકરી માનતા રાખી હતી....!!!

આખરે જયંતીભાઈ ઓડની અતૂટ શ્રદ્ધાનો પરચો તેમને મળ્યો છે. પાંચ વર્ષના લાંબા સમયગાળા પછી જયંતીભાઈને જાણ થઈ કે તેમના બળદ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરથી દૂર ભાણવડ નજીક ત્રણ પાટીયા પાસે બાંધેલો છે....!!!

જેથી જયંતીભાઈએ આંબલિયારા પોલીસ મથકનો સંપર્ક કરતા આંબલિયારા પોલીસે ભાણવડ પોલીસ મથકનો સંપર્ક કરી જે તે વિસ્તારના બીટ જમાદારને સાથે રાખી તે વિસ્તારમાં પશુહિત કલ્યાણકારી વહીવટ કરતા લાલાભાઇનો સંપર્ક કરી બળદ માલિકને પરત અપાવવા આંબલીયારા પોલીસે સંપર્ક સ્થાપી આપતાં જયંતીભાઈ તે બળદને લેવા રાજકોટ શહેરથી 180 કી.મી દૂર ભાણવડ જોડે આવેલા ત્રણ પાટીયા સ્થળ ઉપર પહોંચી ખુલ્લી જગ્યાએ ગાયો સાથે બેસેલ બળદ પરત મળી આવતાં જયંતીભાઈ તે બળદને લઈ જીતપુર ગામે આવી પહોંચ્યા હતા.

જયંતીભાઈ એ બળદ ચોરાતાં રાખેલી માનતા તેમના મસાણી મેલડી માતાજીની અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા સાથેની ટેક ફળીભૂત થતાં બળદનું કંકુ, ચોખા અને ફૂલોથી વધામણાં કરી ડીજે સાઉન્ડ સાથે વરઘોડો કાઢી મસાણી મેલડી માતાજીના મંદિરે બળદ સાથે વાજતે ગાજતે પહોંચી માતાજીની માનતા પૂરી કરી માતાજીનો પ્રસાદ સૌ ગ્રામજનોમાં વહેંચી માનતા પૂરી કરી હતી.

Next Story