Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ગોઢકુલ્લા ગામે થયેલો ધડાકો હેન્ડગ્રેનેડનો હતો, સાણસીથી ગ્રેનેડની પીન ખોલતાં થયો વિસ્ફોટ

શામળાજી પાસેના ગોઢકુલ્લા ગામની ઘટના, બ્લાસ્ટમાં પિતા અને એક પુત્રીના થયા મોત.

X

અરવલ્લી જિલ્લાના ગોઢકુલ્લામાં ગામના મકાનમાં થયેલો ભેદી ધડાકો હેન્ડગ્રેનેડનો હોવાનું બહાર આવ્યું છે. મકાનમાં રહેતાં યુવાન તળાવના કિનારેથી મળેલા હેન્ડગ્રેનેડને ઘરે લઇ આવ્યો હતો અને પરિવારની હાજરીમાં ગ્રેનેડની પીન સાણસીથી તોડતાથી સાથે બ્લાસ્ટ થયો હતો. જેમાં તેનું અને તેની એક પુત્રીનું છરા વાગવાથી મોત થયું હતું જયારે તેની પત્ની અને બીજી પુત્રી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

તારીખ 28 ઓગસ્ટે શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે રહેતા રમેશ ફણેજાના ઘરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં રમેશ તથા તેમની બે પુત્રીઓ અને પત્નીના શરીરના ફુરચે ફુરચા ઉડી ગયાં હતાં. ઘટનામાં રમેશ તથા તેની એક પુત્રીનું સ્થળ પર જ મોત થયું હતું જયારે પત્ની અને બીજી પુત્રી જીવન - મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. ધડાકો એટલો તીવ્રતાવાળો હતો કે તેનો અવાજ 3 કીલોમીટર દુર સુધી સંભળાયો હતો. બનાવની જાણ થતાં રેન્જ આઇજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાત સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયાં હતાં અને તપાસ હાથ ધરી હતી.

પોલીસને તપાસ દરમિયાન ગોઢકુલ્લા ગામમાં રહેતાં રમેશને તળાવના કિનારેથી ગ્રેનેડ મળ્યો હતો અને એ ગ્રેનેડને તે પોતાના ઘરે લઇ આવ્યો હતો. તારીખ 28મીના રોજ તેણે સાણસીની મદદથી ગ્રેનેડની પીન ખોલી નાંખતા વિસ્ફોટ થયો હતો. હાથમાં જ ગ્રેનેડ ફુટવાથી રમેશના શરીરમાં અસંખ્ય છરાઓ ઘુસી ગયાં હતાં જયારે તેની એક પુત્રીના પણ ફુરચા ઉડી જતાં બંનેના મોત થયાં હતાં.

ભેદી ઘડાકાના પગલે પંથકમાં ભારે કુતુહલ ફેલાયું હતું. તપાસ દરમિયાન પોલીસને મૃતક રમેશના વોટસએપ તથા અન્ય ગૃપોમાંથી કેટલીક તસવીરો મળી આવી હતી. જેમાં તે બંદુક સાથે તથા ગ્રેનેડ સાથે દેખાય રહયો છે. પોલીસે તેના સ્વજનો અને મિત્રોની પુછપરછ કરતાં રમેશને આર્મીમાં જવાનો શોખ હોવાથી હથિયારો સાથે ફોટા પડાવતો હોવાની વિગતો સપાટી પર આવી છે.

ગોઢકુલ્લા ગામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું ગામ છે ત્યારે હેન્ડગ્રેનેડ આવ્યો કયાંથી તે પોલીસ માટે યક્ષપ્રશ્ન બન્યો છે. રમેશને કોણે હેન્ડગ્રેનેડ અને બંદુક આપી હતી તે શોધવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે, આ કેસમાં હજી પુછપરછ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કોઇ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

Next Story