અરવલ્લીના ગોઢકુલ્લા ગામે હેન્ડગ્રેનેડ વિસ્ફોટમાં નવો વળાંક આવ્યો છે. મૃતકના ભાઇએ પોલીસના ટોર્ચરથી કંટાળીને વૃક્ષ સાથે લટકી જઇ આપઘાત કરી લીધો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલું ગોઢકુલ્લા ગામ... ગામમાં આવેલું ફણેજા પરિવારનું મકાન અનેક રહસ્યોને પોતાની અંદર સમાવીને બેઠું છે. થોડા દિવસ પહેલાં મકાનમાં હેન્ડગ્રેનેડમાં બ્લાસ્ટ થતાં રમેશ ફણજા અને તેની એક પુત્રીનું મોત થયું હતું જયારે પત્ની અને અન્ય પુત્રી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. રમેશ ફણજા સાણસીથી હેન્ડગ્રેનેડ ખોલવા જતાં વિસ્ફોટ થયો હતો. રમેશ પાસે હેન્ડગ્રેનેડ આવ્યો કયાંથી તેની તપાસમાં પોલીસ જોતરાય છે. રમેશના મોતની શાહી સુકાઇ ન હતી ત્યાં તેના ભાઇ કાંતિનો મૃતદેહ ગામની સીમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. એક સાથે બે- બે પુત્રોના મોતના આઘાતથી માતાના આંસુ સુકાવાનું નામ લેતાં નથી. કાંતિએ પોલીસના ટોર્ચરથી આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
પોલીસને તપાસ દરમિયાન રમેશના આધુનિક રાયફલ તથા હેન્ડગ્રેનેડ સાથેના ફોટા હાથ લાગ્યાં છે. રમેશના મિત્રોની પુછપરછ દરમિયાન તેને લશ્કરમાં જવાનો શોખ હોવાનું જાણવા મળ્યું છે. રમેશને તળાવના કિનારા પરથી હેન્ડગ્રેનેડ મળ્યો હતો અને તેમાં શું છે તે જોવા માટે તેણે સાણસીથી હેન્ડગ્રેનેડ ખોલવાનો પ્રયાસ કરતાં ધડાકો થયો હોવાનું અનુમાન છે. બીજી તરફ પરિવારના આક્ષેપો સંદર્ભમાં પોલીસે જણાવ્યું છે કે, મૃતકના ભાઇને પુછપરછ માટે લાવવામાં આવ્યો હતો પણ તેને સહીસલામત રીતે ઘરે મુકી આવવામાં આવ્યો હતો. જો કદાચ પરિવારને કોઇ શંકા હશે તો પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તથ્ય બહાર આવી જશે.