અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા લીંબોદરા ગામની પ્રાથમિક શાળા નં-4નું મકાન જર્જરિત બનતા તંત્ર દ્વારા તેને નોનયુઝ જાહેર કરી ઉતારી લેવામાં આવ્યું છે. તો બીજી તરફ, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં ઝાડ નીચે બેસીને ભણવા મજબુર બન્યા છે.
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “સૌ ભણે, સૌ આગળ વધે”નું સૂત્ર આપવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થી બાળકોના ભણતર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફળવાય છે. પરંતુ આજે પણ એવા કેટલાક ગામડાઓ છે કે, જ્યાં તંત્ર દ્વારા શાળાના નવા મકાનો ન બનવાના કારણે શિયાળો, ઉનાળો કે ચોમાસામાં વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર બનવું પડે છે.
વાત છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરા પ્રાથમિક શાળા નં-4 ની... આ શાળાનું મકાન જર્જરિત હતું. જેથી એક વર્ષ અગાઉ તંત્ર દ્વારા શાળાનું મકાનને નોનયુઝ જાહેર કરી ઉતારી લેવામાં આવ્યું હતું. જોકે, હવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે.
જોકે, હાલ ચોમાસાની સિઝન શરૂ થવા સાથે ભારે વરસાદની પણ શક્યતા વર્તાય રહી છે, ત્યારે ખુલ્લા આકાશ નીચે વૃક્ષના છાંયડે બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મજબૂર બન્યા છે. એક તરફ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો પાછળ કરોડોનું અધણ કરાય છે, ત્યારે સરકારી કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓ કે, નેતાઓને લીંબોદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની દયનિય સ્થિતિ જાણે દેખાતી ન હોય તેવું ફલિત થઈ રહ્યું છે. તો બીજી તરફ, તંત્ર દ્વારા આવતીકાલનું ભવિષ્ય એવા ગરીબ વિદ્યાર્થીઓ માટે શાળાનું નવું મકાન આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.