બનાસકાંઠા : ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો માર્ગદર્શન હેઠળ હળદરની ખેતીમાં કાઠું કાઢતા “ખેડૂતો”

ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે આધુનિક પદ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ખૂબ સારું ઉત્પાદન મેળવતા થયા

author-image
By Connect Gujarat Desk
New Update
  • ખેતી-પશુપાલનના વ્યવસાય માટે જાણીતું બનાસકાંઠા

  • ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોનું ખેડૂતોને માર્ગદર્શન

  • લાભદાયી રોપા ઉછેર પદ્ધતિથી કરી છે હળદરની ખેતી

  • ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવ્યું સારું ઉત્પાદન

  • વિવિધ પાકોની ખેતી કરીને ખેડૂતો આર્થિક પગભર બન્યા

બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનના વ્યવસાય માટે જાણીતો જિલ્લો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે આધુનિક પદ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ખૂબ સારું ઉત્પાદન મેળવતા થયા છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)ના વૈજ્ઞાનિકોના પ્રયાસોથી ખેડૂતો હવે હળદરની ખેતીમાં પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ લાભ મેળવવા તરફ આગળ વધી રહ્યા છે. ડીસા સ્થિત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો આધુનિક ખેતીની પદ્ધતિઓ અપનાવી સફળતા તરફ આગળ વધી રહ્યા છે. ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી પદ્ધતિઓ દ્વારા ઓછા પાણીના ઉપયોગ સાથે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવાર ખેડૂતોને સેમિનારો અને તાલીમ દ્વારા નવી ટેકનોલોજીઓ અપનાવવા પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના માર્ગદર્શનથી ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરીને સારૂ ઉત્પાદન મેળવી આર્થિક પગભર બન્યા છે. 5 વર્ષ પહેલાં ડીસા કૃષિ કેન્દ્રના ડૉ. યોગેશ પવારે શક્કરટેટી અને તરબૂચની ખેતી માટે એક અલગ પ્લગ ટ્રે ટેકનોલોજી શરૂ કરી હતી. આ ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડૂતોએ રોપાથી વાવેતર શરૂ કર્યું, જેનાથી તેમને ઓછા સમયમાં સારું ઉત્પાદન અને ઊંચા બજાર ભાવ મળ્યા હતા, ત્યારે આ સફળતાથી પ્રેરાઈને ખેડૂતો હવે રોપા ટેકનોલોજી તરફ વળીને ખેતી કરતા થયા છે.

ડીસા પંથક રીતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે હળદરની ખેતીમાં પણ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો શિયાળુ પાક તરીકે હળદરની ખેતી બિયારણ દ્વારા કરતા હતા. જોકે, આ પદ્ધતિમાં લગભગ 6 મહિનાનો સમય લાગતો હતો, ત્યારે ખેડૂતોને ઓછી મહેનતે ખૂબ જ સારું ઉત્પાદન ઓછા સમયમાં મળે તે માટે હવે ડૉ. યોગેશ પવારે હળદરના રોપા પણ તૈયાર કર્યા છે. જેથી વાવેતરનો સમય દોઢ મહિના ઘટી જશે.

આ રોપા ટેકનોલોજીથી ખેતી કરવાથી ખેડૂતોને સારો ફાયદા પણ થશે. એટલે કે, હળદરની ખેતીનો સમયગાળો ઘટીને લગભગ સાડા ચાર મહિના થશે. તેમજ રોપા દ્વારા વાવેતરથી ખેતીનો ખર્ચ ઘટશે સાથે જ રોપા ટેકનોલોજીથી રોગ અને જીવાતની સમસ્યા ઘટી જશે. જોકે, રોપા ઉછેરથી ઓછા સમયમાં ખેતી થવાથી પાણીનો ઉપયોગ પણ ખુબજ ઓછો થશે.

બનાસકાંઠાના ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આ નવતર પ્રયાસથી જિલ્લાના ખેડૂતો હળદરની ખેતીમાં ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને આવક મેળવતા થશે, તેમજ આ નવી ટેકનોલોજી ખેડૂતોને આધુનિક ખેતીની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહનરૂપ સાબિત થશે. ડૉ. યોગેશ પવાર અને તેમની ટીમના સહિયારા પ્રયાસોથી હવે બનાસકાંઠાના ખેડૂતો માટે ખેતી વધુ નફાકારક અને વધુ ઉત્પાદન આપવા સાથે સારો એવો આર્થિક લાભ આપનારી ચોક્કસ સાબિત થશે.

Latest Stories