આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાની એક એવી દૂધ મંડળી જેનો સમગ્ર વહીવટ મહિલાઓ ચલાવે છે.દૂધ મંડળીના મંત્રી ,ચેરમેન સહિત તમામ સભ્યો પણ મહિલાઓ જ છે,એટલું જ નહીં ડેરીના પારદર્શક વહીવટને લીધે તાજેતરમાં ડેરીને એન.સી.ડી.તરફથી રાજ્યની શ્રેષ્ઠ દુધમંડળીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે
હાથમાં શિલ્ડ અને પ્રમાણપત્ર સાથે ઉભેલી આ બહેનોએ હરસિદ્ધ મહિલા દૂધ ઉત્પાદક મંડળીની કર્ણધાર છે.પાલનપુર તાલુકાના ભાગળ ગામની વસ્તી 1500 વ્યક્તિની છે.ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે તેથી ગામમાં ત્રણ દુધમંડળીઓ આવેલી છે પરંતુ 2013માં શરૂ થયેલ આ હરસિદ્ધ મહિલા દૂધ ઉત્પાદક મંડળીએ તેના સંચાલનથી સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ દૂધ મંડળી તરીકેનું બહુમાન મેળવ્યું છે.આ મંડળી ગુજરાતની એકમાત્ર દૂધ મંડળી છે જેનો તમામ વહીવટ મહિલાઓ સાંભળે છે અહીં મંત્રી અને ચેરમેન તરીકેનો કારભાર પણ મહિલાઓ સાંભળે છે,ગામમાં દરરોજ સવારે સાંજ બે ટાઈમ પશુપાલકો દૂધ ભરાવવા આવે છે જેને લીધે દર મહિને દુધના પેટે 22 લાખની રકમ સીધી જ ગ્રાહકોના ખાતામાં જમા થાય છે. દરરોજ મોટી સંખ્યામાં આવતા ગ્રાહકોને પૂરતા ભાવ અહીં મળી રહે છે દરેક ગ્રાહક જેવો અહીં દૂધ ભરાવવા આવે કે તરત દૂધના ફેટની કેપિસિટી ચેક કરી કમ્પ્યુટરાઈઝડ રીતે તેના દૂધની કિંમત સાથે તેનો કોડ નમ્બર કમ્પ્યુટરમાં દેખાવા લાગે છે સંપૂર્ણપણે પારદર્શક અને પેપરલેસ વહીવટ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.જેને લીધે આ ડેરીને તાજેતરમાં અમદાવાદ ખાતે નેશનલ સહકારી ડેરી કોર્પોરેશન દ્વારા શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મંડળીનો એવોર્ડ તેમજ 25 હજારનું પારિતોષિક પ્રાપ્ત થયું છે.
2018 પહેલાં દુધમંડળીના મંત્રી બનાસડેરીમાંથી કેસમાં પેમેન્ટ લાવતા હતા લાખ્ખો રૂપિયાની મસમોટી રકમ લઇ આવતા મંત્રીઓ સાથે ઘણીવાર લૂંટ,ચિલઝડપ જેવા બનાવો બનતા હતા, પશુપાલકોને સ્થાનિક દૂધમંડળીમાંથી જ રૂબરૂમાં પેમેન્ટ લેવું પડતું હતું જેને લીધે પશુપાલકોને પોતાની મહેનતના નાણાં સમયસર મળતા નહોતા.જોકે હવે બધી જ દૂધ મંડળીઓ ડિજિટલ બેન્કિંગ સુવિધાથી જોડાયેલ હોવાથી ગ્રહકોને સમયસર પુરતા નાણાં મળી રહે છે.હરસિદ્ધ દૂધ મંડળીના યોગ્ય વહીવટથી અહીં દૂધ ભરાવનાર બહેનોની વાણીમાં જ ખુશી અને સંતોષ સ્પષ્ટ દેખાઈ આવે છે.
ડેરીની સંચાલક કમિટી દર પાંચ વર્ષે નવી બનતી હોય છે પરંતુ જિલ્લાની એક માત્ર મહિલા મંત્રી ધરાવતી આ ડેરીમાં 2013થી હજુ સુધી મંત્રી સેજલબેન જ કારભાર સાંભળે છે જે દૂધ મંડળીના સુચારૂ વહીવટને દર્શાવે છે.