ભરૂચમાં એસ.પી.કચેરીના નવા બિલ્ડીંગનું લોકાર્પણ
ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું
રૂ.9.63 કરોડના ખર્ચે નિર્માણ પામી છે કચેરી
3 નવા પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ
પોલીસ આવાસોનું ઉદ્ઘાટન કરાયું
ભરૂચમાં 141 વર્ષ જુની એસપી કચેરી આજથી 9.63 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલી અદ્યતન બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવામાં આવી છે. નવી એસપી કચેરીનું આજે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અંગ્રેજ શાસનકાળમાં કાળી તલાવડી વિસ્તારમાં 1881માં પોલીસ હેડકવાટર્સની સ્થાપના કરવામાં આવી હતી. હેડકવાટર્સમાં આવેલી એસપી કચેરી સહિત અન્ય કચેરીઓનું સમયાંતરે રીનોવેશન કરવામાં આવતું હતું પણ 141 વર્ષ બાદ ભરૂચને અદ્યતન સુવિધાઓ ધરાવતી નવી એસપી કચેરી આજે મળી હતી. ભરૂચના કાળી તલાવડી વિસ્તારમાં રૂ.9.63 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવી એસ.પી.કચેરીનું રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રીતે જળવાય રહે તે માટે જિલ્લામાં 3 નવા પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડીવીઝન, પાનોલી અને ઝઘડીયાનું પણ લોકાર્પણ કરાયું હતું તો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનેલાં 204 જેટલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટીફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા નિર્માણ પામનાર સીસીટીવી પ્રોજેકટનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.નવી એસ.પી.કચેરીમાં ઘોડિયા ઘર અને લાયબ્રેરી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.નવી એસ.પી.કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ,ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા વડોદરા રેન્જના આઈ.જી.એમ.એસ.ભરાડા ,જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવી હતી.તો સાથે જ ચૂંટણીની મૌસમ વચ્ચે વાયદા લઈને આવતા લોકોને જવાબ આપવા અપીલ કરી હતી.