ભરૂચ શહેરમાં અંદાજિત 29 જેટલા આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જોકે, આ પૈકી કેટલાક આંગણવાડી કેન્દ્રમાં યોગ્ય સાફ સફાઈ નહીં થતાં પાલિકા પ્રમુખે આ મામલે સમયસર સાફ સફાઈ કરવા જે તે અધિકારીઓને સૂચન કર્યું છે.
ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં તેઓના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. 5 વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે, ત્યારે ભરૂચ શહેરમાં પણ અંદાજિત 29 જેટલા આંગણવાડી કેન્દ્ર આવેલા છે. આ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને તમામ સુવિધા અને સગવડ પણ સમયસર અપાય રહી છે. પરંતુ ભરૂચના કેટલાક આંગણવાડી કેન્દ્રમાં બરાબર સાફ સફાઈ નહીં થતાં વહેલી તકે સાફ સફાઈ કરવા લોક માંગ ઉઠી છે. જોકે, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના ધ્યાનમાં વાત આવતા તેઓએ ગંભીરતા દાખવી છે. આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભુલકાંઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓના આરોગ્ય સામે પણ સવાલ ઊભા થયા છે, ત્યારે સાફ સફાઈનો મુદ્દો એક ગંભીર બાબત હોવાથી પાલિકા પ્રમુખે તાત્કાલિક તમામ 11 વોર્ડની આંગણવાડીઓમાં યોગ્ય સાફ સફાઈ માટેનો ઓર્ડર કર્યો છે. એટલું જ નહીં પાલિકા પ્રમુખે જે તે વોર્ડના SIને તાકીદ કરી સમયસર સાફ સફાઈ થવી જોઈએ તેવો હુકમ પણ કર્યો છે.