ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા.
વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારથી દર વર્ષે હર્ષ ઉલ્લાસથી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ વાગરા તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા. આ રેલી વાગરા ડેપો સર્કલ, પટેલ ખડકી, ચીમન ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં અંદાજિત 800થી વધુ આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે.
વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરુચ જીલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાય હતી.
રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રા અને લોક નૃત્યથી સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. કોઈ અનિછનીય બનાવ ન બને તેમજ શાંતિભર્યા વાતાવરણમાં રેલી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ પણ ખડેપગે તૈનાત જોવા મળી હતી.