ભરૂચમાં રહેતા મોકાણી પરિવારમાં ગમનો માહોલ
28 વર્ષીય દીકરીનું જટિલ બીમારીના કારણે નિધન
સંકલ્પ ફાઉન્ડેશને મૃતકના પરિવારનો સંપર્ક કર્યો
પરિવારને દેહ-ચક્ષુનું દાન કરવા માર્ગદર્શન આપ્યું
મૃતક દિવ્યાએ 2 વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો
ભરૂચની દહેજ બાયપાસ રોડ સ્થિત વી.ડી.ટાઉનશિપમાં રહેતી 28 વર્ષીય દિવ્યાના મૃત્યુ બાદ તેના માતા-પિતા અને પરિવારે તેનું દેહદાન અને ચક્ષુનું દાન કરીને 2 વ્યક્તિઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો છે..
ભરૂચની વી.ડી.ટાઉનશીપમાં નિવૃત્તિમય જીવન ગુજારતા રાજેશ મોકણી અને સંગીતા મોકણીની 28 વર્ષીય એકની એક પુત્રી દિવ્યા વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં BSWમાં અભ્યાસ કરી રહી હતી. જોકે, આ સમય દરમિયાન દિવ્યા કોરોના પોઝિટિવ થયા બાદ GBS ગુઇલેન બેરે સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી. જેથી માતા-પિતા સહેજ પણ હિંમત હાર્યા વગર પુત્રીની સારવાર કરાવવા માટે વડોદરાથી મુંબઈ સુધી ફર્યા હતા..
પરતું તેઓ તેમની એકની એક વ્હાલસોઈ પુત્રી દિવ્યાને બચાવી ન શક્યા, અને તેણીનું ગત બુધવારના રોજ અવસાન થયું હતું, ત્યારે ભરૂચમાં કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશનના ગૌતમ મહેતાએ તેમનો સંપર્ક કરીને પુત્રીના દેહદાન માટે વાતચીત કરતા માતા-પિતાની મંજૂરી સાથે પુત્રીના દેહ અને ચક્ષુનું દાન કરાયું છે..
જેમાં પ્રથમ તેની આંખોનું દાન કરીને 2 લોકોને નવી રોશની બતાવી છે, જ્યારે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા મૃતક દિવ્યાના દેહને પરિવારજનોની હાજરીમાં સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને દાહોદ ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો..
ત્યારે દિવ્યાની અંતિમ યાત્રામાં સ્થાનિકોએ સલામી આપી પુષ્પની વર્ષા કરી હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી, અશોક જાદવ, ગીરીશ પટેલ સહિત જયાબેન મોદી હોસ્પિટલના ડૉ. અંજનાબેન ઉપસ્થિત રહ્યા હતા..