લોજિસ્ટિક કંપનીના નામે છેતરપિંડી
જમીન દલાલ બન્યા છેતરપિંડીનો ભોગ
ડલ્લાસ ઇન્ફોટેક પ્રા.લી નામથી કરાઈ ઠગાઈ
રોકાણની સામે મોટા વળતરની લાલચ
રૂ.19.50 લાખની ભેજાબાજોએ આચરી છેતરપિંડી
અંકલેશ્વરમાં જમીન લે-વેચનું કામ કરતા વેપારીને ભેજાબાજોએ રૂપિયા 19.50 લાખનો ચૂનો ચોપડ્યો હતો,જેમાં ડલ્લાસ ઇન્ફોટેક પ્રા.લી.લોજિસ્ટિક પેઢી શરૂ કરીને મોટા વળતરની લાલચ આપવામાં આવી હતી.
અંકલેશ્વર ઓએનજીસી કોલોની પાસે આવેલ આમ્રપાલી સોસાયટીમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા વૈભવ પુરુષોત્તમભાઈ ચંગોઈવાલાએ લેપટોપ પર ઓનલાઇન લોજિસ્ટિક પેઢી અંગેની જાહેરાત જોઈ હતી,ત્યાર બાદ અંકલેશ્વરમાં રીઝનલ ફ્રેન્ચાઈઝી શરૂ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી.ડલ્લાસ ઇન્ફોટેક પ્રા.લી.નામથી આ ફ્રેન્ચાઈઝી શરૂ કરવાની હતી,અને ભેજાબાજોએ તેઓની સાથે ઓનલાઈન મિટિંગ કરીને કંપનીમાં રોકાણ સહિત મોટા વળતરની લાલચ આપી હતી.
જે મુજબ વૈભવે રૂપિયા 15 લાખ સિક્યુરિટી ડિપોઝીટ પેટે તેમજ કંપનીના સોફ્ટવેરના રૂપિયા 50 હજાર મળીને કુલ રૂપિયા 15.50 લાખ જમા કરાવ્યા હતા,અને ઓફિસના સમારકામ અર્થે થયેલ રૂપિયા 4 લાખનો ખર્ચ પણ કંપનીએ ચૂકવવાનું જણાવ્યું હતું.જોકે સમયની અવધિ વીત્યા બાદ પણ વૈભવ ચંગોઈવાલાને કોઈ જ વળતર કે કંપનીના જવાબદાર અધિકારીઓ પાસેથી કોઈ જ પ્રતિભાવ ન મળતા તેઓને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અણસાર આવ્યો હતો.
અને આ સમગ્ર ઘટના અંગે અંકલેશ્વર શહેરA ડિવિઝન પોલીસ મથકમાં ડલ્લાસ ઇન્ફોટેક પ્રા.લી.ના સીઈઓ અરૂણકુમાર દાસ,ઝોનલ મેનેજર આશિષ ધોળકિયા સહિત અન્ય આરોપીઓ સામે રૂપિયા 19.50 લાખની છેતરપિંડીની ફરિયાદ દર્જ કરાવી હતી.પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. છેતરપિંડીનો ભોગ બનનાર વૈભવ ચંગોઈવાલાએ જણાવ્યું હતું કે લોજિસ્ટિક ના નામથી દેશભરમાં કરોડો રૂપિયાનું ફ્રોડ આચરવામાં આવ્યું હોવાની આશંકા તેઓએ વ્યક્ત કરી હતી.