ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી
સન્માનનીય સરાહના કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન
ટ્રસ્ટ પ્રમુખનું સાલ ઓઢાડીને કરાયું સન્માન
નિવૃત્ત શિક્ષકોનું સન્માન પત્ર આપી કરાયું સન્માન
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને 'સન્માનનીય સરાહના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા તારીખ 5મી સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને 'સન્માનનીય સરાહના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી, મંત્રી ડો. મહેન્દ્ર પંચાલ,ટ્રસ્ટ મંડળ અને સ્વામી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા દ્વારા સ્વાગત પરિચય કરાવવામાં આવ્યો હતો.ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહને તેમના દીર્ઘકાલીન માર્ગદર્શન, અવિરત સેવા અને ટ્રસ્ટ દ્વારા કાર્યરત શાળાના સર્વાંગી વિકાસ માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ સાલ ઓઢાડી, સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સુવર્ણ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી દ્વારા શાબ્દિક લાગણીઓનો અભિષેક કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના મંત્રી ડો.મહેન્દ્ર પંચાલ,ટ્રસ્ટી અશોક પંજવાણી અને શાળાના પૂર્વ શિક્ષક વિરલ શાહ દ્વારા શાબ્દિક સ્નેહ વર્ષા કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર શાહના પરિજનોએ પણ લાગણીઓની અભિવ્યક્તિ કરી હતી.
ટ્રસ્ટ મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદ શાળામાં 25 વર્ષોથી અવિરત સેવા આપી રહેલા શિક્ષકોને અને શાળામાંથી નિવૃત્ત થયેલા શિક્ષક અને વહીવટી કર્મચારીનું પણ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષિકા કુમારી હીનાબેન શેઠ દ્વારા પોતાના સંસ્મરણો અભિવ્યક્ત કરવામાં આવ્યા હતા.ટ્રસ્ટ મંડળ દ્વારા દર વર્ષની જેમ આજના શિક્ષક દિન નિમિત્તે પ્રેરકવક્તા તૃપ્તિબેન અલમૌલાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તૃપ્તિબેન દ્વારા શાળાના શિક્ષકગણને શિક્ષક ધર્મ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.