અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર જોખમી કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના કૌભાંડનો પર્દાફાશ થયો છે.પોલીસે ટેન્કર સહિત રૂપિયા 27 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જીઆઇડીસીમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર રાજપીપળા રોડ પર આવેલ બનાસ બલ્ક કેરિયર નામના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઉભું છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ટેન્કર ચાલકની પૂછપરછ કરી હતી જો કે ટેન્કર ચાલક શનિ કુમાર ગૌતમે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.આથી પોલીસે ટેન્કરમાં રહેલ કેમિકલની ચકાસણી હાથ ધરી હતી તો આ કેમિકલ અંકલેશ્વર જીઆઇડીસીમાં બેઇલ કંપની નજીક આવેલ શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવનાર હોવાનું જણાયુ હતુ.આથી પોલીસે શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક પવન મિશ્રા સહિત કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે તેમજ ટેન્કર સહિત ₹ 27 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે પોલીસે આ મામલામાં બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે