New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સીલિકોન જ્વેલ કંપનીને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સીઝ કરાઈ હતી. કંપનીનાં સત્તાધીશે પૈસા ભરી દીધા હોવાના આધાર-પુરાવા બતાવ્યા છતાં બેંકના અધિકારીઓેએ મનમાની કરી સીલ માર્યુ હોવાનો આરોપ કંપનીના સત્તાધીશોએ લગાવ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સીલીકોન જ્વેલ પ્રાઈવેટ લીમીટેડ કંપનીએ કોરાનાકાળમાં નુકસાન થયુ હોવાથી યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી 30 કરોડની લોન લીધી હતી. જે સમયસર ન ચુકવતા બેંક અને સીલિકોન જ્વેલ કંપનીનાં ડાયરેક્ટર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેની આગામી મુદ્દત મંગળવારે 25 જુનનાં દિવસે છે પરંતુ એ પહેલા જ આજે બેંકના અધિકારીઓ કંપની સીઝ કરવા પહોંચ્યા હતાં. જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયુ હતું. પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી.
બાદમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનાં અધિકારીઓ કંપનીનાં મેઈન ગેટનું તાળુ તોડી પાડી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને આખી મિલકત તેમજ મશીનરી જપ્ત કરી હતી. કંપની તરફથી ધર્મેશ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે કોરોના કાળમાં નુકસાન થયુ હોવાથી લોન ભરપાઈ કરી શક્યા નહોતા. પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીની સાડા 6 કરોડની રકમ જે ભરવાની હતી તે અમે બેંકમાં ભરી તેની રીસીવ્ડ કોપી પણ લીધી હતી. જેનાં ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ અમારી પાસે છે. કોર્ટમાં બે દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જોહુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી છે.યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનાં અધિકારીને આ આક્ષેપો વિશે પુછતાં તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.