/connect-gujarat/media/media_files/2025/09/16/asha-worker-avedanpatra-2025-09-16-18-03-32.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની 250 જેટલી આશાવર્કર અને આશા ફેસિલિટર બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અને ફિક્સ પગાર કરવા બાબતે જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રતિનિધિ વિસ્તરણ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની 250 જેટલી આશાવર્કર અને આશા ફેસિલિટર બહેનો જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચાર સાથે આવી પહોંચી હતી, જ્યાં પંચાયત પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોજ પટેલને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, તેઓને ઓનલાઈન કામગીરી આપવામાં આવી છે, જેનો બહિષ્કાર કરી કામગીરી ન કરવા તેમજ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી ફિક્સ પગાર ચૂકવવામાં આવે તથા કાયમી કર્મચારી ગણવા અને કામના કલાકો નક્કી કરવામાં આવે તથા 30 દિવસનો પગાર અને સરકાર તરફથી ચૂકવવામાં આવતું મહેનતાણું ટુકડે ટુકડે મળતા બહેનોનું સામાજિક જીવન સારી રીતે પસાર થતું નથી.
વધુમાં આ વેતન ખેત મજૂરો કરતાં પણ ઓછું આપવામાં આવે છે, તો એન્ડ્રોઇડ મોબાઈલ કેવી રીતે ખરીદી શકે તેવું જણાવાયું હતું. આ ઉપરાંત સરકારના પરિપત્ર મુજબ ઓનલાઇન પ્રક્રિયા માટે રૂલ્સ બહાર પાડવામાં આવેલ છે તેનો તમામ બહેનોને સખત વાંધો છે. આશા વર્કરોને તાલીમ વગર ઓનલાઈન કામગીરીનો વધારાનો બોજ નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
આવેદન પત્રમાં આવરી લેવામાં આવેલી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો નછૂટકે ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરવાની આશાવર્કર અને આશા ફેસિલિટર બહેનોએ ચીમકી ઉચ્ચારી હતી. આ સહિત આશા વર્કર બહેનોએ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પણ આવેદન પત્ર આપ્યું હતું.