ભરૂચ: ઝનોર ખાતે આવેલ NTPC કંપનીના 300 કામદારો હડતાળ પર, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ

NTPC કંપની દ્વારા કામદારોનો પગાર ઘટાડી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે.કામદારોના જણાવ્યા અનુસાર ઓવરટાઈમ નથી આપવામાં આવતો

New Update
  • ભરૂચના ઝનોર ગામે આવેલી છે NTPC કંપની

  • કંપનીના કામદારો હડતાળ પર

  • પડતર પ્રશ્નો બાબતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ

  • ભારતીય મજદૂર સંઘે

     ટેકો જાહેર કર્યો

  • પ્રશ્નના નિરાકરણની માંગ

ભરૂચના ઝનોર ખાતે આવેલી NTPC કંપનીમાં 300થી વધુ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા કામદારો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
ભરૂચના ઝનોર ખાતે આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાકટર અને મેનેજમેન્ટ દ્વારા થતા આર્થિક અને માનસિક શોષણ સામે નારાજગી વ્યક્ત કરતા ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ કાર્યરત 300થી વધુ કામદારોએ કંપનીમાં કામબંધી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.BMS યુનિયનના આગેવાનો મુજબ  કંપનીમાં છેલ્લા ઘણા સમયથી હંગામી ધોરણે કાર્યરત કામદારોનું શોષણ થઇ રહ્યું છે.
ખાસ કરીને ઑટોબેઝના એક કર્મચારીને બે મહિનાથી કોઈ કારણ વગર સેવા પરથી દૂર કરાયા છે, જે છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. કામદારોનો  પગાર ઘટાડી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે.કામદારોના જણાવ્યા અનુસાર ઓવરટાઈમ નથી આપવામાં આવતો, ડ્રાઈવરોને 24 કલાક ફરજ બાદ પણ વીકલી ઓફ મળતો નથી.કામદારોનું કહેવું છે કે, 2024માં રિઝનલ લેબર કમિશનર કોર્ટમાં જે સુનાવણી થઈ હતી અને જે સંમતિ આપવામાં આવી હતી તેનું પણ મેનેજમેન્ટ ઉલ્લંઘન કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 
આ તરફ કંપની મેનેજમેનટે વાતચીતમાં જણાવ્યું હતું કે આંદોલન ગેરકાયદેસર છે કારણ કે 25 જુલાઈએ આ મામલે RLC કચેરીમાં સુનાવણી નિર્ધારિત છે. આર એલ સી કચેરીએ પણ લેખિતમાં સુચન કર્યું છે કે 25 જુલાઈ પહેલા કોઈ હડતાળ કે કામબંધી કરવામાં ન આવે.મેનેજમેન્ટ દાવો કરી રહ્યું છે કે, કામદારોને અગાઉ જે એલાઉન્સ મળતા હતા તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે આપતા હતા. આમ છતાં કામદારો નિયમોનું ભંગ કરીને હડતાળ પર ઉતરી આવ્યા છે, જેના પગલે મેનેજમેન્ટે આ બાબતની જાણ આર એલ સી ઓફિસને કરાવી છે.
Latest Stories