New Update
આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ
ભક્તો માતાજીની ભક્તિમાં બનશે લીન
ગરબીનું કરવામાં આવશે સ્થાપન
કુંભારોએ માટલીઓને કર્યો શણગાર
વર્ષોની પરંપરા આજે પણ જીવંત
ભરૂચમાં આસો નવરાત્રિ પૂર્વે કુંભારો ગરબા રૂપી માટલીઓને રંગીન શણગાર કરી રહ્યા છે.વિવિધ સ્થળોએ ગરબારૂપી માટલીનું સ્થાપન કરવામાં આવશે. આસો નવરાત્રિના પર્વનો આવતીકાલથી પ્રારંભ થશે ત્યારે માં જગદંબાની આરાધનાના આ પવિત્ર પર્વમાં ભક્તો માતાજીની પૂજા અર્ચન અને ગરબા માટે તત્પર બની ગયા છે. ભરૂચના કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં કુંભારો ગરબા રૂપી માટલીઓને રંગ-રોગાન સાથે શણગાર કરી અંતિમ ઓપ આપી રહ્યા છે.
આસો નવરાત્રિ દરમિયાન પરંપરા મુજબ માટીની શણગાર કરેલી માટલી, ઉપર કોડીયું રાખીને ભક્તો ગરબે ઘૂમે છે. આ અનોખી પરંપરા ભરૂચ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં જીવંત છે. કુંભારોએ આ પ્રસંગે બનાવેલી રંગીન અને કળાત્મક માટલીઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કુંભારીયા ઢોળાવ વર્ષોથી કુંભાર સમાજનું પરંપરાગત વસવાટસ્થાન રહ્યું છે. અહીંના કુંભારો પેઢીથી માટીની માટલીઓ, કોડીયા અને અન્ય માટીના સામાન બનાવતા આવ્યા છે.
આજે પણ મહેશભાઈ પ્રજાપતિ જેવા અનેક પરિવારો પોતાના પરંપરાગત વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ શેરી ગરબા તથા મોટા આયોજનો થવાના છે. મૂર્તિકારો દ્વારા માં જગદંબાની અવનવી પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણ બની છે.