ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની ઉજવણી
શ્રીમાળી પોળ જૈન દેરાસર ખાતે ઉજવણી
જૈન દેસરને કરાયો વિશેષ શણગાર
જૈન સમુદાએ કર્યું વિશેષ પૂજન અર્ચન
જૈન શ્રાવકોએ મેળવ્યો પુણ્યનો લાભ
ભરૂચ શહેરના શ્રીમાળી પોળમાં આવેલા ઐતિહાસિક જૈન દેરાસરમાં આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જૈન સમુદાયે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ શહેરનાં શ્રીમાળી પોળમાં આવેલા ઐતિહાસિક જૈન દેરાસરમાં આજે ભગવાન મહાવીર સ્વામીનાં જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી,અને આ પાવન અવસર નિમિત્તે દેરાસરને લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું.વહેલી સવારે મંગળા આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીની શરૂઆત થઈ હતી.સમગ્ર દેરાસર સંગીતમય જયજયકારથી ગુંજી ઉઠ્યું હતું.
ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા અને પુણ્યનો લાભ મેળવ્યો હતો.શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિની કામનાની સાથે વિશેષ પ્રાર્થના કરી હતી.
સવારથી જ દેરાસરમાં ધાર્મિક પ્રવચનો,તપસ્વીઓના સન્માન સમારંભ અને બાળ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં ભગવાનના ઉપદેશો ‘અહિંસા,અપરિગ્રહ અને સત્ય’નું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું હતું.
જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષો પહેલા હતો.તેમના ઉપદેશો આધુનિક જીવનમાં માનવીને આંતરિક શાંતિ અને સત્યની ઓર દોરે છે.આ પ્રસંગે ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા તેમજ દેરાસર પરિસરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.