ભરૂચ જિલ્લાના દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી રૂ. ૩.૩૩ કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના ઔધોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફલીંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવતું રહે છે, ત્યારે મળતી વિગતો મુજબ દહેજ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક ગેસના 5 ટેન્કરો તેમજ એક પીકઅપ ગાડી પડેલ હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઇને જોતા કેટલાક ઇસમો કોઇ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું.
પોલીસને જોઇને ત્યાં હાજર ઇસમો નાશવા લાગતા પોલીસે પાછળ દોડીને 2 ઇસમોને પકડી લીધા હતા, અને અન્ય 10 જેટલા ઇસમો અંધારામાં ભાગી છૂટ્યા હતા. ઘટના સ્થળે ગેસના 5 ટેન્કરો અને એક પીકઅપ ગાડી પડેલ હોવાનું જણાયું હતું. આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના 3 વાલ્વ પૈકી એક વાલ્વ ખુલ્લો જણાયો હતો. કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે આ વાલ્વ બંધ કરવો જરૂરી હોઇ જેથી પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પકડાયેલ ઇસમોના નામ ધનારામ ભીખારામ લુહાર અને મુસ્તાકઅલી મહેબુબઅલી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.