કુકરવાડા ગામની હદમાં પાવરગ્રીડ કંપની દ્વારા કામગીરી
765 KV વટામણ-નવસારી ટ્રાન્સમિશન લાઈનની કામગીરી
સર્વે નંબરમાં સમસ્યા હોવાથી ખેડૂતો સ્થળ ઉપર પહોચ્યા
ઉગ્ર વિરોધ નોંધાવી ખેડૂતોએ સંપૂર્ણ કામગીરી બંધ કરાવી
સુરતની જેમ ભરૂચના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા માંગ
ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની હદમાં પાવરગ્રીડ કંપની દ્વારા 765 KV વટામણ-નવસારી ટ્રાન્સમિશન લાઈનની કામગીરી ચાલી રહી છે, ત્યારે સર્વે નંબરમાં સમસ્યા હોવાથી 2 ખેડૂતોએ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી હતી.
ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની હદમાં આવેલી જમીનનો સર્વે નં. 106 ફુલચંદ પરમાર અને અશોક પરમારના નામ પર નોંધાયેલો છે, જ્યારે તેની બાજુની જમીનનો સર્વે નં. 105 વસાવા પરિવારના નામે છે. આ બંનેની જમીનમાંથી પાવરગ્રીડ કંપની દ્વારા 765 KV વટામણ-નવસારી ટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે. જેમાં ફુલચંદ પરમાર અને અશોક પરમારની જમીનમાં 765 KV લાઇનનો ટાવર આવે છે, જ્યારે તેમની બાજુમાં આવેલા વસાવા પરિવારની જમીનમાંથી તેના તાર પસાર થવાના છે. જેમાં સર્વે નંબરની ભૂલના કારણે વસાવા પરિવારને ટાવર માટે કંપની તરફથી અંદાજિત રૂ. 55 લાખ મળવાના છે, જ્યારે ફુલચંદ અને અશોક પરમારને તાર માટે માત્ર રૂ. 33 લાખ જેટલી રકમ મળવાની બતાવે છે.
આ મામલે ખેડૂતોએ કંપનીમાં રજૂઆત કરી હતી. તેમ છતાં પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેની જાણ થતા જ આસપાસના ખેડૂતો અને જમીન માલિક ખેડૂત સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી હતી. દેત્રાલ ગામના સરપંચ નોફલ પટેલ પણ સ્થળ પર દોડી આવી સરકારની કામગીરી સામે કોઈ વિરોધ નહી પણ ખેડૂતો સાથે બળજબરી પૂર્વક કામગીરી લેવામાં આવે છે. તેનો વિરોધ નોંધાવ્યો હતો. જેમ સુરત અને નવસારીના ખેડૂતોને વળતર ચૂકવ્યું છે, તેમ ભરૂચના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવવાની તેઓએ માગ કરી હતી.