ભરૂચની દહેજ જીઆઇડીસીનો બનાવ
મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં આગ
દોઢ વર્ષથી બંધ હાલતમાં છે પ્લાન્ટ
પ્લાન્ટમાં આગ લાગતા દોડધામ
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતના ફેસ વનમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતના ફેસ વનમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બીટા પ્લાન્ટમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.
બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને લગભગ બે થી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.પાંચ જેટલા ફાયદાઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં છે ત્યારે બંધ પ્લાન્ટમાં આગ કઈ રીતે લાગી તે એક તપાસનો વિષય છે.
આ ઉપરાંત ગત વર્ષે પણ દિવાળીના સમયગાળામાં જ આગ લાગી હતી ત્યારે અનેક આશંકા સેવાય રહી છે.બનાવની જાણ થતાની સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે.