ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત સ્વરાજ ભવન ખાતે શ્રી રેવા સેવા સમન્વય સમિતિ-ભરૂચ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ-ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસરમાં કાર્યરત પાઠદાન કેન્દ્ર દ્વારા 2જી ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
પાઠદાન કેન્દ્રના બાળકો તથા શિક્ષકો દ્વારા સુપોષિત ભારત સમર્થ ભારતના નારાઓ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જંબુસરના નવીનગરી વિસ્તારથી અંબાજી ભાગોળ વિસ્તાર થઈ કાવા ભાગોળ, કબીર મંદિર નજીકથી પસાર થઈ સ્વરાજ ભવન ખાતે સભાના સ્વરૂપમાં ફેરવાઈ હતી. પ્રાર્થના સભામાં મુખ્ય મહેમાન સ્થાને જંબુસર રેફરલ હોસ્પિટલના ડો. પરેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે અતિથિ વિશેષ જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજકુમાર નાયક, શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નિલેશ ભાવસાર સહિત મોટી સંખ્યામાં બાળકો તથા શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન પરેશ શર્મા સુપોષિત ભારત સમર્થ ભારત અંતર્ગત કુપોષણથી કેવી રીતે બચી શકાય તેની રજૂઆત પોતાના વક્તવ્યમાં કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત નિલેશ ભાવસારે તેમના વક્તવ્યમાં જંબુસર સ્થિત સ્વરાજ ભવન અને ગાંધીજીના સંસ્મરણોની વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે કલ્યાણ મંત્ર કરી સૌ છૂટા પડ્યા હતા.