ભરૂચ: દીપડાના હુમલાના બનાવો વધતા ચૈતર વસાવાનો મોટો આક્ષેપ,કહ્યું આદિવાસી વિસ્તારમાં જ દીપડા છોડી મુકવામાં આવે છે!

ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે ગમે ત્યાં દીપડા પકડાય તે આદિવાસી વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે.અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં આવા દીપડાઓને છોડી દેવામાં આવે છે

New Update

ભરૂચ નર્મદા જિલ્લામાં દીપડાના હુમલા વધ્યા

તિલકવાડાના અલવા ગામે મહિલાનું થયું હતું મોત

ચૈતર વસાવાએ લગાવ્યો મોટો આરોપ

દીપડા આદિવાસી વિસ્તારમાં જ છોડી મુકાય છે: ચૈતર વસાવા

દીપડા માટે રેસ્ક્યુ સેન્ટર બનાવવાની માંગ

ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દીપડાના હુમલાના બનાવો વધતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગમે ત્યાંથી દીપડા પકડાય તેને આદિવાસી વિસ્તારમાં છોડી મૂકવામાં આવે છે જેના કારણે દીપડાના હુમલાની ઘટના વધી છે

ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દીપડાના હુમલાના બનાવો વધ્યા છે તાજેતરમાં તિલકવાડા તાલુકાના અલવા ગામે દીપડાના હુમલામાં મહિલાનું મોત નીપજ્યું હતું.એ પૂર્વે ભરૂચના ઝઘડિયામાં પણ દીપડાના હુમલામાં 9 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા દિપડાઓના હુમલાથી લોકોના મોતના મામલામાં મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગમે ત્યાં દીપડા પકડાય તે આદિવાસી વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે.અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં આવા દીપડાઓને છોડી દેવામાં આવે છે અને બાદમાં દીપડાના હુમલાની ઘટના બને છે.

આ ઉપરાંત તેઓએ દીપડાના હુમલામાં કરાતી સહાય બાબતે પણ નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને સરકાર દ્વારા પાંચ લાખની સહાય કરવામાં આવે છે પરંતુ આ સહાયમાં પણ વધારો કરવો જોઈએ સાથે તેઓએ  દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવા જોઈએ એવી માંગ કરી હતી.ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે પકડાયેલા દીપડાને છોડી મુકવાની જગ્યાએ આદિવાસી વિસ્તારોમાં રેસ્ક્યુ સેન્ટર બનાવી એમાં દીપડાને રાખવા જોઈએ

આ અંગે વન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ભરૂચ કે નર્મદા જિલ્લામાંથી પાંજરે પુરાતા માનવભક્ષી દિપડાઓને સામાન્ય રીતે જાંબુઘોડા ખાતેના રેસક્યુ સેન્ટરમાં મોકલી આપવામાં આવતાં હોય છે જયાં તેઓ બાકીનું જીવન કેદમાં ગુજારતાં હોય છે.માનવભક્ષી સિવાયના દિપડાઓ પાંજરે પુરાય તો તેને જે તે જંગલમાં જ એકદમ અંતરિયાળ ભાગમાં છોડી મુકવામાં આવે છે.દીપડાને માનવ વસાહત નજીક નથી છોડવામાં આવતા પરંતુ ગાઢ જંગલમાં છોડવામાં આવે છે
Latest Stories