New Update
ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક 10 વર્ષ પહેલા આવાસોનું નિર્માણ
રાજીવ આવાસ યોજના અંતર્ગત મકાનોનું નિર્માણ
મકાનોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
લાભાર્થીઓ નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા
નગરપાલિકાના ઠાલા વચનો
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધા ના અભાવના કારણે અહીં રહેતા લાભાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્કની સામે સાબુઘર નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા આવ્યા હતા. પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન જ રહી ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
ઝૂપડપટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી ગરીબોને આવાસો ફાળવવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ જ તકલાદી આવાસોની હાલત ખસતા થઈ ગઈ છે. આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે, બારેમાસ મળમૂત્ર સહિતનું પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. આ ઉપરાંત સફાઈ- પાણી અને લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે તંત્ર પર પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે લગભગ રૂ.19 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આવાસની કામગીરીમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે મળી ભ્રષ્ટાચાર આચાર્યો છે.સરકાર ગરીબોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે
આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મકાનોના ડ્રેનેજ લાઈન મકાનોમાં મળમૂત્રનું પાણી પડવા બાબતે એન્જિનીયરો સાથે વાતચીત કરી યોગ્ય પગલાં લેવાનું અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી આગામી દિવસોમાં લાભાર્થીઓની સમસ્યાનું નિવારણ લાવવાનું રટણ કર્યું હતું.
ઝૂંપડામાંથી પોતાના સ્વપ્નના ઘરમાં રહેવા આવેલા લાભાર્થીઓ ફરી એક વખત નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે ત્યારે જોવાનું રહેશે કે સરકાર દ્વારા ગરીબોની સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે.
Latest Stories