ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડી સુધીનો માર્ગ બિસ્માર
મુખ્ય માર્ગ બિસ્માર બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
20 વર્ષથી માર્ગ પર કામગીરી કરાય ન હોવાનો આક્ષેપ
વરસાદી મોસમમાં માત્ર ખાડા પૂરીને સંતોષ માણતું તંત્ર
બિસ્માર માર્ગને સુવિધાસભર બનાવવા સ્થાનિકોની માંગ
ભરૂચ શહેરના ઝાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 20 વર્ષથી ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.
વરસાદની મોસમમાં માત્ર ખાડા જ પૂરીને તંત્ર સંતોષ માણી રહ્યું છે. આ મુખ્ય માર્ગ ઉપર 15થી વધુ સોસાયટીઓ આવેલી છે. સ્થાનિક લોકોએ ઝાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ હોવાના તેમજ સ્થાનિક લોકોની સુવિધામાં અને વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
આ મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર આવ્યું છે. આ મંદિરે રોજ બરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન અર્થે જતા હોય છે, ત્યારે વૃદ્ધ લોકો પણ આ રોડનો જ ઉપયોગ કરી મંદિરે દર્શન અર્થે પહોંચતા હોય છે, ત્યારે વહેલી તકે આ બિસ્માર માર્ગને સુવિધાસભર બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.