નર્મદા કોલેજ સામે ભૂતમામાનું મંદિર હટાવાતા વિવાદ
R&B વિભાગ દ્વારા બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડી પડાયું
રાતોરાત મંદિર તોડી દેવાતા 25 ગામના લોકોમાં રોષ
વિધિવત પૂજા વગર કાર્યવાહી કરાય હોવાનો આક્ષેપ
અન્ય સ્થળે મંદિરની પુનઃ સ્થાપના કરવા લોકોની માંગ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રસ્તા નવીનીકરણના કામ દરમિયાન વર્ષો જૂના ભૂતમામા મંદિરને તંત્ર દ્વારા રાતોરાત હટાવી દેવાતા વિવાદ સર્જાયો છે, જ્યાં 25 ગામના લોકોએ વિધિવત પૂજા વગર આ કાર્યવાહી કરાય હોવાનો આક્ષેપ કર્યો છે.
ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ પર નર્મદા કોલેજ સામે આવેલ ભૂતમામા મંદિરને રૂ. 23 કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ દૂર કરવામાં આવ્યું છે.R&B વિભાગ દ્વારા ગત મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ કે, વોર્ડ સભ્યોને આ અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી.
આ મંદિર સ્થાનિક લોકો માટે ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે. પરંપરા મુજબ લગ્ન પ્રસંગે વરરાજા અહીં દર્શન કર્યા વિના આગળ વધતા નથી. પરંતુ મંદિરને વિધિવત પૂજા વિના હટાવવામાં આવતા પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. સમગ્ર મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોએ સ્થળ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. શ્રધ્ધાળુઓએ માંગ કરી હતી કે, આગામી 5 દિવસમાં મંદિરની વિધિવત પૂજા સાથે નજીકના સ્થળે પુનઃ સ્થાપના કરવામાં આવે. જો આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.