New Update
અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ બાળકોને ઈજા પહોંચી હતી.આ તરફ જીઆઇડીસીમાં નીકળેલ આગમન યાત્રામાં આખલો ઘૂસી આવતા 8થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.
ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવિણ રમાકાંત સિંગ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો. આગમન યાત્રા દરમિયાન પ્રવિણસિંગની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડી.જે.ના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઇજાના પગલે પાંચ વર્ષય નવ્યાનું મોત નીપજ્યું હતું જ્યારે દિયાન, જનક અને ક્રિષ્ના નામના બાળકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં ડી.જે.ના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઇસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઇસમને હંકારવા આપ્યો હતો એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટિયરિંગ પરનો કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઇવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories