ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં ભર ચોમાસે પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો આવ્યો છે, ત્યારે આમોદ નગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક મહિલાઓએ માટલાં ફોડી હલ્લાબોલ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા વિવાદમાં ન આવે તો જાણે નવાઈ થાય.! કોઈને કોઈ બાબતે હર હંમેશા પાલિકા વિવાદોના વમણમાં ઘેરાયેલી જોવા મળે છે. ક્યાંક ખુલ્લી ગટરો, ક્યાંક ગંદકી તો ક્યાંક નગરજનો તો ક્યાંક સફાઈ કામદારો વિરોધ કરતા આવ્યા છે. પરંતુ પાલિકાના અણઘડ વહીવટને કારણે ભોળી પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે.
ભર ચોમાસે પાણીની સમસ્યાને લઈ આમોદ નગરપાલિકાના વોર્ડ નં. 1ની મહિલાઓ રણચંડી બની નગરપાલિકા કચેરીએ પ્રમુખના ચેમ્બર પાસે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. આમોદની પૂરસા રોડ નવીનગરી ખાતે છેલ્લા 3 મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈજ ધ્યાન આપવામાં નહીં આવતા પૂરસા રોડ નવીનગરીની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી પાલિકા "હાય હાય"ના નારા લગાવી પ્રમુખના ચેમ્બર સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો..
અને નગરપાલિકાના ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધારદાર રજૂઆત કરી હતી. આ વેળાએ આમોદ શહેર ભાજપના હોદ્દેદાર ભીખા લીંબચીયા તથા માજી પ્રમુખ સાજીદ રાણાએ વાલ્વ મેનને પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે, મોટર બળી ગયેલ છે. જેથી પાણી પ્રેશરથી મળતું નથી. જોકે, હાલ તો પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બન્યુ છે.