ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના છ ગામોમાં કાનૂની જાગૃતિ ફેલાવવાના હેતુસર લીગલ એડ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે.ભરૂચના પૂર્ણકાલીન સચિવ પી પી મોકાશી તથા ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયાના હસ્તે વિધિવત રીતે ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના નેજા હેઠળ કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સંચાલિત ઝઘડિયા તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે તાલુકાના છેવાડાના વિસ્તારોમાં કાનૂની જાગૃતિ ફેલાવાના હેતુસર લીગલ એડ ક્લિનિક શરૂ કરવાની યોજના અમલ મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજપારડી, ઉમલ્લા, રાણીપુરા, ધારોલી, જેસપોર તથા વેલુગામ જેવા ગામોની પસંદગી કરવામાં આવી હતી.
આ ગ્રામ પંચાયતો ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના પૂર્ણકાલીન સચિવ પી.પી મોકાશી, ઝઘડિયા વકીલ બાર એસોસિયેશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા સહિત સંબંધિત પંચાયતના સરપંચો તથા પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
લીગલ એડ ક્લિનિકના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકોને મફત કાનૂની સલાહ, માર્ગદર્શન અને કાનૂની સહાય અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. આ ક્લિનિક શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ મુખ્યત્વે છેવાડાના ગામોમાં વસતા ટ્રાયબલ, શોષિત, વંચિત અને કાયદાથી અજાણ એવા લોકો સુધી કાનૂની જાગરૂકતા અને ન્યાય સુધી સૌની પહોંચ સુનિશ્ચિત કરવાની છે.