મનોદિવ્યાંગ બાળકોની શાળા’ કલરવ શાળા
શાળાનો દીપ પ્રાગટ્ય સંકલ્પ રોશની પ્રોજેક્ટ
રોશની પ્રોજેક્ટ અંતર્ગત બાળકો દ્વારા પહેલ
મનોદિવ્યાંગ બાળકોએ સુંદર દીવડા બનાવ્યા
આત્મનિર્ભરતાની પહેલને સાર્થક કરી બતાવાય
ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળામાં "રોશની પ્રોજેક્ટ" અંતર્ગત મનોદિવ્યાંગ બાળકોએ આકર્ષક દીવડા બનાવી PM મોદીની આત્મનિર્ભરતાની પહેલને સાર્થક કરી બતાવી છે.
દીપાવલીના પાવન પર્વની ઉજવણી નજીક આવી રહી છે, ત્યારે ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવ’એ એક પ્રેરણાદાયી અને સરાહનીય પહેલ કરી છે. શાળાના બાળકોએ આ વર્ષે "રોશની પ્રોજેક્ટ" અંતર્ગત પોતાના હાથે સુંદર અને કલાત્મક દીવડાઓ તૈયાર કર્યા છે. છેલ્લા 3 મહિનાથી મનોદિવ્યાંગ બાળકો દીવડાઓ બનાવી રહ્યા છે, જ્યાં કલરવ શાળાનો મુખ્ય ઉદ્દેશ આ દિવ્યાંગ બાળકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવવા માટે સક્ષમ બનાવવાનો છે.
"રોશની પ્રોજેક્ટ" દ્વારા બાળકોની શક્તિનો વિકાસ થાય, તેઓ આત્મનિર્ભર બને અને તેમનામાં આત્મિયતા તથા પ્રોત્સાહન વધે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દીવડાઓ માત્ર માટીના કોડિયા નથી. પરંતુ તે આ બાળકોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતીક છે. સંસ્થાના સંચાલક નીલા મોદીએ ભરૂચવાસીઓ અને સમગ્ર સમાજને ભાવભરી અપીલ કરતા જણાવ્યું હતું કે, કલરવ શાળાના બાળકો દ્વારા બનાવેલા અવનવા સુંદર દીવડા ખરીદીને તેમના જીવનમાં રોશની ફેલાવો. આપની નાનકડી ખરીદી આ બાળકોને આત્મનિર્ભર બનવા માટેનું મોટું પ્રોત્સાહન પૂરું પાડશે.