વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ નજીક વર્ષ ૨૦૨૧ માં અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. જે અંગેનો કેસ વાગરા કોર્ટમાં ચાલી જતાં ગુનાના બંને આરોપીઓ વિરુદ્ધ કોર્ટે સજાનો હુકમ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટનાની વિગત એમ છે, કે ગત તારીખ ૨૭/૦૪/૨૦૨૧ના રોજ બપોરના સમયે બુલેટ મોટર સાયકલ નંબર GJ-06-JH-0125 લઇને ફરિયાદીનો પિતરાઈ ભાઈ જુના કલાદરા ગામ તરફ જવાના રસ્તા સામેનો રોડ ઓળંગી રહ્યો હતો. તે વેળાએ ભેંસલી બાજુથી રોંગ સાઈડ પર પૂરપાટ ઝડપે એક સેલેરિયો કારનો ચાલક આવતા બુલેટને ટક્કર મારતા બુલેટ ચાલક આરીફને ઉછાળીને રોડ વચ્ચે પાડી દીધેલ હતો. તે વેળાએ દહેજથી ભેંસલી જવાના રોડ ઉપરથી એક પિકઅપ ગાડી નં. GJ-06-AX-3936 જે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બુલેટ ચાલક આરીફને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવી નાશી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે દહેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી કરી મારુતિ સુઝુકી સેલેરીઓના ચાલક પ્રવિણભાઈ બિજલભાઈ વસાવા તેમજ પિકઅપ ચાલક રઘુભાઇ રણુભાઇ ભરવાડને વાગરા કોર્ટમાં રજૂ કર્યા હતા. વાગરા કોર્ટમાં બંને આરોપીઓ વિરુદ્ધ કેસ ચાલતા ફરિયાદી પક્ષના સરકારી વકીલોની દલીલોને સાંભળી જજ આર.સી સોઢા પરમારે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવી પ્રવિણભાઈ બિજલભાઈ વસાવાને 3 માસની સાદી કેદ તેમજ 1000 રૂપિયા પૂરા ચૂકવવાના દંડની સજા સંભળાવી હતી. જ્યારે આરોપી નં.2 રઘુભાઇ રણુભાઇ ભરવાડને એક વર્ષની સાદી કેદ તેમજ 2500 રૂપિયા દંડની સજા સંભળાવી હતી અને બંને આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ 15 દિનની કેદની સજાનો હુકમ કરી 2021માં સર્જાયેલ દુર્ઘટનામાં ન્યાયિક ચુકાદો આપ્યો હતો.