જંબુસરના મહાપુરા ગામના સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો
છેલ્લા એક મહિનાથી ગામમાં ઉભરાઈ રહ્યું ગટરનું ગંદુ પાણી
ગંભીર સમસ્યાના કારણે ગ્રામજનોમાં વહીવટી તંત્ર પ્રત્યે રોષ
ગામમાં રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં દહેશત ફેલાય
વહેલીતકે સમસ્યાનું નિરાકરણ લાવવા ગ્રામજનો દ્વારા માંગ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર સતત ગંદુ પાણી ભરાતાં લોકો ભારે હેરાનગી અનુભવી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પંચાયત દ્વારા કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વિશેષ ચિંતાનો વિષય એ છે કે, પંચાયત કચેરીની બાજુમાં આવેલી આંગણવાડી સુધી ગટરનું ગંદુ પાણી પહોંચી જાય છે.
નાના બાળકો રોજ આ માર્ગ પરથી પસાર થાય છે, જેથી તેમના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. ગામમાં મચ્છર તથા દુર્ગંધથી પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. હાલ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન મોટા જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે મહાપુરા ગામમાં ગંદકી અને ગટર ઉભરાવાની સમસ્યાને કારણે ગ્રામજનો તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ, આ મામલે પંચાયત દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.