તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો અનેરો ઉત્સાહ
ભાદરવા સુદ કેવડા ત્રીજથી ભાતીગળ મેળાનો શુભારંભ કરાશે
ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે મેળાની ભવ્ય શરૂઆત થશે
તરણેતરીયા મેળામાં વિવિધ સ્પર્ધાઓનું પણ વિશેષ આયોજન
વહીવટી તંત્ર દ્વારા લોકમેળાની તમામ તૈયારીને અંતિમ ઓપ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે ભાદરવા સુદ કેવડા ત્રીજથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો ભવ્ય શુભારંભ કરવામાં આવશે, ત્યારે વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા લોકમેળાની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજથી છઠ્ઠ સુધી એટલે કે તા. 26થી 29 સપ્ટેમ્બર સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોકમેળામાં ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક, પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓ, સંતવાણી, પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા લોકમેળાની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.