/connect-gujarat/media/post_banners/9c81b3bed3dcfcd2aa2831062027f8b0f58d8ebd106c86f9158e4e79f4ee3eda.jpg)
ભાવનગર જિલ્લાના અલંગ શીપ યાર્ડની સથરા ચોકડી નજીક વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા, ત્યારે ભારે જાહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.
મળતી માહિતી અનુસાર, અલંગ શીપ યાર્ડ ખાતે સથરા ચોકડી નજીક આવેલ મારૂતિ સેકન્ડ રોલ અને સંતકૃપા ટ્રેડર્સ નામના ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી હતી, ત્યારે આ પ્લોટની બાજુમાં આવેલ ખોડલ પેટ્રોલીયમ અને તેને અડીને આવેલ અન્ય એક પ્લોટ સુધી પ્રસરતા આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે, તેની જ્વાળાઓનો ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં જ ભાવનગર, તળાજા અને અલંગ સહિતના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી, ત્યારે ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબુ મેળવી લેવાયો હોવાનું અલંગ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકશાની અંગેની વિગતો બહાર નથી આવી. પરંતુ આગના પગલે પાંચેય પ્લોટમાં રહેલો સરસામાન બળીને ખાખ થયો હતો.