/connect-gujarat/media/post_banners/2de0bc1a2932246d46bb1c3db9898850c68e63b5b108d9802472670cd4d2bbc0.jpg)
ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિઝન-2030 એક્ષ્પોમાં શેપીંગ યોર ડેસ્ટીની અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે તા. 22થી 25 ડીસેમ્બર દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવેલ છે. વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોમાં પ્લાસ્ટિક, કેમિકલ, એગ્રો બેઇઝ, ફૂડ પ્રોડક્ટ, પ્રિસીઝન કાસ્ટિંગ સહિતના 250થી પણ વધુ સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં ભાવનગરના બિલ્ડરો તેમજ ભાવનગર ફિટનેસ ક્લબ અને જીમની સંસ્થાએ પણ ભાગ લીધો છે. આ મેગા ફેરમાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ છે. મેગા ફેર દરમિયાન બિઝનેસ ટુ બિઝનેસ મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિષય નિષ્ણાંતો ખાસ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપનાર છે. આ એક્સ્પોનો મુખ્ય ઉદેશ્ય છે કે, આવનારા સમયમાં અહીંના ઉદ્યોગપતિઓ વધુ ઉદ્યોગોની સ્થાપના કરે તેમજ અહીંના સ્કીલ ધરાવતા યુવક-યુવતીઓને સ્થાનિક સ્તરે વ્યવસાય મળી શકે. સરકાર પણ નવા ઉદ્યોગો માટે વધુને વધુ પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે ઉદ્યોગપતિઓ પણ નવા સાહસ સાથે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખી વિવિધ ઔદ્યોગિક એકમોની સ્થાપના કરે તે જરૂરી છે. ભાવનગરના અનેક ઔદ્યોગિક એકમો રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે, ત્યારે વધુ ઉદ્યોગો થકી ભાવનગરનો ડંકો દુનિયામાં ગુંજે તે માટે આ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.