ભાવનગર સ્થિત બ્લેકબક નેશનલ પાર્ક ખાતે શિયાળાની વહેલી સવારમાં વિહરતા વરુના ટોળાઓનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે, વરૂઓનું ઝુંડ કેવી રીતે એકબીજા સાથે ગેલમાં આવીને મસ્તી કરી રહ્યું છે. ભાવનગરથી માત્ર 45 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર દેશ નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. બ્લેક બક એટલે કે, કાળીયાર હરણની એક પ્રજાતિ માટે ખુલ્લા ઘાસના મેદાન અને સમતલ જગ્યા સ્વર્ગ સમાન છે. વેળાવદર ખાતે ઉદ્યાનમાં અને બહાર મળી કુલ 7 હજાર જેટલા કાળીયાર મુક્ત રીતે વિસરે છે. રાષ્ટ્રીય ઉદ્યાન હોવાથી અહિયાં કાળીયાર સાથે લગભગ 100 કરતા વધુ પ્રજાતિના પક્ષી, વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ પણ મુક્ત રીતે વસવાટ કરે છે, ત્યારે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વરુની સૌથી વધુ વસ્તી હોવાનું પણ અનુમાન છે.
વેળાવદર કાળિયાર બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન પાર્કના ACF મહેશ ત્રિવેદીએ શિયાળાની સવારમાં વિહરતા વરુઓના ટોળાનો વિડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. ACF મહેશ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, ભાલ વિસ્તારમાં અંદાજે 60થી વધુ વરૂ વસવાટ કરી રહ્યા છે. વરુ ખેડૂતોના પાકને નુકશાનથી બચાવે છે. કારણ કે, સૌથી વધુ નીલગાય અને જંગલી સુવર ખેડૂતોના પાકને નુકશાન પહોંચાડે છે. જેને રોકવાનું સૌથી અગત્યનું કામ વરુ કરે છે. જેથી વરુ ખેડૂતોનો ખૂબ સારો મિત્ર છે. છેલ્લા 30 વર્ષના ઈતિહાસમાં વરૂએ માણસ પર હુમલો કર્યો હોય તેવું બન્યું નથી. જોકે, હાલ ભાવનગરમાં વરુ બચાવ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.