Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ભાજપના MLA ગૌતમ ચૌહાણના પુત્રની તુમાખી, પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો..!

કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, પોલીસ કોન્સ્ટેબલે ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો

X

ભાવવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાલિતાણા ચોકડી પાસે ભાજપના ધારાસભ્યના પુત્ર તેમજ પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે 2 દિવસ પહેલા સામાન્ય બોલાચાલીમાં માથાકૂટ થઇ હતી. જે બાદ ધારાસભ્યના પુત્રએ કોન્સ્ટેબલને સમાધાન માટે બોલાવી મારામારી કરતા કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, પોલીસ કોન્સ્ટેબલે ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે.

ભાવનગર જિલ્લાના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ ગત તા. 3 મેના રોજ ધારાસભ્યની કાર નં. GJ-14-AP-0753 લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન પાલીતાણા ચોકડી સતનામ ધાબા આગળ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા અને તેની પાછળ બેસેલ એક વ્યક્તિએ કારને ઓવરટેક કરવા જતા કૌન્સ્ટેબલની મોટર સાયકલ બાજુના ખાળિયામાં ઉતરી ગઈ હતી.

જે બાદ કાર ચાલક ગૌરવ ચૌહાણ તેમજ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદ વજારામ લાધવા દ્વારા ફોન કરીને શૈલેષ ધાંધલીયાને સમાધાન કરવા માટે તળાજા ખાતે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં શૈલેષભાઈ ઉપર ધારાસભ્યના પુત્ર ગૌરવ તથા તેમના અન્ય સાથીદારોએ મળીને શૈલેષભાઈને માર માર્યો હતો. જ્યાં ઇજાગ્રસ્તને પ્રથમ સારવાર માટે તળાજા ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે તેમને ત્યાંથી સારવાર આપ્યા બાદ ભાવનગર ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

જોકે સમગ્ર મામલે ધારાસભ્ય ગૌતમ ચૌહાણ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, મને બદનામ કરવાનું આ કાવતરું છે, મારો પુત્ર જ્યારે કાર લઇને જતો હતો, ત્યારે ધારાસભ્યનું બોર્ડ જોઈને સામેથી કાર સાથે બાઈક અથડાવામાં આવ્યું હતું, જ્યારે મારો પુત્ર એફઆરઆઈ નોંધાવવા ગયો અને તેની સામે જ પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી હતી. તેમજ કોન્સ્ટેબલના આક્ષેપો પાયા વિહોણા હોવાનું પણ ધરાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ ધારાસભ્યની સરકારી કારનો ઉપયોગ પરિવાર કેમ કરી શકે તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. જોકે, ઇજાગ્રસ્ત પોલીસકર્મી શૈલેષ ધાંધલિયા દ્વારા કરવામાં આવેલ FIRમાં ગૌરવ ચૌહાણના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમજ ગૌરવ ચૌહાણ સાથે ઝઘડો કેમ કર્યો કહીને આજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ધારાધોરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Next Story