ભાવનગર લોકસભા-ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા
સિહોરમાં ઉમેદવાર નિમુ બાંભણીયાનો ચૂંટણી પ્રચાર યોજાયો
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સિહોર ખાતે ઉપસ્થિત રહ્યા
રાજનાથસિંહ કોંગ્રેસ પક્ષ ઉપર કર્યા આકરા શાબ્દિક પ્રહારો
જનસભાને સંબોધી નિમુ બાંભણીયાને જિતાડવા અપીલ કરી
ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાના ચૂંટણી પ્રચાર માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સિહોર ખાતે ઉપસ્થિત રહી જનસભાને સંબોધી હતી. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજરોજ ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાના ચૂંટણી પ્રચાર માટે સિહોર આવી પહોચ્યા હતા, જ્યાં વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે પ્રથમ કેન્દ્ર સરકારની કામગીરી વર્ણવી વખાણ કરતા કહ્યું કે, હું એવુ નથી કહેતો કે, અગાઉની કોઈ સરકારે કામ નથી કર્યા. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે, મોદી સરકાર જેટલો વિકાસ અગાઉની કોઈ સરકારે કર્યો નથી.
આતંકવાદી હુમલા અંગે તેઓએ કહ્યું કે, કોંગ્રેસની હકૂમતમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ અનેકવાર બની છે. તેમજ અનેક રાજ્યોમાં આંતરિક હુમલાની ઘટનાઓ બનતી હતી. હવે આજે ભારતમાં ક્યાંય આતંકવાદી હુમલા ખાસ થતા નથી. પાડોશી દેશને ખબર પડી ગઈ છે કે, ભારત હવે પહેલાનું ભારત નથી. આ નવું ભારત છે, જે ભારત પાડોશીના ઘરમાં પણ ઘુસીને મારી શકે છે. રાહુલ ગાંધીએ રજવાડા અને મહારાજા ઉપર કરેલા ટિપ્પણીને પણ રાજનાથસિંહએ વખોડી તેની ટીકા કરી હતી. આ સાથે જ ભ્રષ્ટચાર ડામવા દિલ્હીથી મોકલાયેલા 100 રૂપિયા છેલ્લામાં છેલ્લા માણસ સુધી પુરેપુરા પહોંચે છે.
એટલે સરકાર ચલાવવાની રાજનીતિક આવડત એક માત્ર ભાજપ પાસે છે, તેમ જણાવ્યું હતું. રામલલ્લા મહેલમાં પ્રવેશ કરી ચુક્યા છે. એટલે હવે દેશમાં રામ રાજ્યનો આગાઝ થઈ ચુક્યો છે. વધુમાં રાજનાથસિંહે કહ્યું કે, 2024 બાદ આગામી 10 વર્ષમાં કોંગ્રેસ ખતમ થઈ જશે. આવનારા સમયમાં બાળકોને પૂછવામાં આવશે કે, કોંગ્રેસ કોણ હતી? આમ ભાજપ સરકારની સિદ્ધિઓ અને કોંગ્રેસ પર પ્રહાર કરી આ ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાને જંગી બહુમતીથી જીત અપાવવા જનમેદનીને અપીલ કરી હતી.