ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસા દરમ્યાન ભારે વરસાદ પડે છે. અને નિયત સમય મર્યાદા કરતાં વધુ સમય સુધી ચોમાસું લંબાયેલુ રહે છે. છતાં દર વર્ષે ઉનાળાના આરંભે ભૂગર્ભ જળસ્તર હજારો ફૂટ ઉંડાઈએ જતાં રહે છે. અને કેટલાક ગામડાઓમાં 15 સો ફૂટ કરતાં વધુ ઉંડાઈ સુધી શારકામ કરવા છતાં પાણીનો કોઈ જ અણસાર સુધ્ધાં જોવા નથી મળી રહ્યો આ બાબત ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દાયકાથી દર વર્ષે કુદરતી જળસંગ્રહ એવાં ભૂગર્ભ જળસ્તર વધુને વધુ ઉંડાઈએ પહોંચી રહ્યાં છે.
આજથી 20 વર્ષ પહેલાં ખેડૂત બોર કરે તો વધુમાં વધુ 200 થી 300 ફૂટની ઉંડાઈએ અખૂટ જળ ભંડાર પ્રાપ્ય રહેતો હતો.કુવાઓની વધુમાં વધુ ઉંડાઈ 35 થી 50 ફૂટ જેટલી રહેતી આટલાં ઉંડા કુવા માથી પણ ખેડૂતો રાત-દિવસ પીયત માટે પાણી લઈ શકતા હતા. હાલમાં જ કુવા 100 ફૂટ સુધી પહોંચવા છતાં ટીપું પાણી મળતું નથી. અને આ વિસ્તારમાં ખેડૂતો માત્રને માત્ર ખેતી આધારિત ગુજરાન ચલાવે છે. ત્યારે સિહોર પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે. જેને લઈને સરકારે તથા જવાબદાર તંત્ર દ્વારા આ મુદ્દે કાયદો બનાવવા અને ચોમાસામાં વધુ ને વધુ જળસંચય થાય એવાં નક્કર પગલાં લેવા ખેડૂતો ઉગ્ર માંગ કરી રહ્યા છે.