ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો સામે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 31 જેટલા ગેરકાયદે બાંધકામોને નોટિસ ફટકારતાં અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રિનોવેશનના નામે મિલકતો પાયાથી નવી બંધાય રહી છે. જેમાં રહેણાંકમાંથી કોમર્શિયલ ઉપયોગ થઇ રહ્યો છે, ત્યારે મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાયની આંખે ગેરકાયદે બિલ્ડીંગો ચડતા સબંધિત વિભાગને આવા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. જેમાં કણબીવાડમાં આવેલ વાકડીયાવાળી શેરી, ચાચડની શેરી, કુબેર પટેલની શેરી અને દેવીદાસની શેરી સહિતની શેરીઓમાં ગેરકાયદે બાંધકામ મામલે 31 મિલકત ધારકોને મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે નોટિસ ફટકારી છે.
જેમાં આ મિલકત ધારકોને ગેરકાયદે બાંધકામને તોડી પાડવા જણાવાયું છે, ત્યારે આ બાબતે આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણકર્તાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું મનપા કમિશનરે જણાવ્યુ હતું.